ગળતેશ્વર તાલુકાના વાડદ ગામે પીવાના પાણી સાથે ભળેલી ગટરને કારણે ગામમાં એકાએક ઝાડા ઉલટીનો રોગચાળો ફેલાયો હતો. જેમાં કેટલાક નાગરિકો સપડાયા હતા.15 દિવસથી ગામમાં ફેલાયેલા રોગચાળામાં દરરોજ અનેક વ્યક્તિઓ સપડાઈ રહ્યા છે. આરોગ્ય તંત્ર ખડે પગે છે પરંતુ સ્થિતિમાં નિયંત્રણ નહિ થતા ગ્રામજનો સહીત તાલુકા તંત્ર ચિંતિત બન્યું છે. જેના કારણે જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત કરી વાડદ ગ્રામ પંચાયતને તાત્કાલિક ધોરણે આ મહામારીમાંથી મુક્તિ મળે તે માટે ૧ લાખની રકમની ગ્રાન્ટ આપી હતી.
આ ગ્રાન્ટનો ઉપયોગ કરવા છતાં પણ વાડદ ગામમાં દરરોજ અનેક લોકોને ઝાડા ઉલટી થવાનું ચાલુ જ છે. જેને કારણે તાલુકા આરોગ્ય તંત્ર અને તેની ટીમ દ્વારા રોગચાળા ઉપર નિયંત્રણ કરવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તમામ પ્રકારની તૈયારીઓ કરવા છતાં પણ ઝાડા ઉલટીના રોગ ઉપર નિયંત્રણ મેળવી શકાતું નથી. જેથી દરરોજ અનેક લોકો રોગનો ભોગ બની રહ્યા છે. આ રોગચાળાએ છેલ્લા 20 દિવસની અંદર 2 વ્યક્તિના ભોગ લીધા છે.