ખેડા : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રાજા રણછોડરાયના દર્શન માટે દરેક ભાવિકોને ફરજિયાત રીતે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડતું હતું. ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવનાર ભાવિકોને જ ઓળખ ચકાસણી બાદ દર્શન માટે મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો હતો. જેને પગલે મંદિર બહાર ભાવિકોની લાંબી કતારો સર્જાવા પામતી હતી.
જે કારણે સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકાતું ન હતું. તેમજ ટ્રાફિકની પણ સમસ્યા સર્જાવા પામતી હતી. જે ભાવિકો માટે ભારે અગવડતાભર્યું બન્યું હતું. તેમજ ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયાને પગલે ઘણા ભાવિકોને દર્શન કર્યા વગર જ પરત ફરવું પડતું હતું.
આ અંતર્ગત ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં નિયમોના પાલન સાથે ભાવિકો હવે ઓનલાઇન રજિસ્ટ્રેશન વિના પણ રણછોડરાયના દર્શન કરી શકશે. આ ઉપરાંત હાલ પૂનમના દર્શન ભાવિકો માટે બંધ રાખવામાં આવે છે. જે પૂનમના દર્શન માટેની પણ વ્યવસ્થા કરવા માટે વહીવટી તંત્ર દ્વારા વિચારણા ચાલી રહેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.