- જનસેવા એ જ પ્રભુસેવાને સાર્થક કરતી નિરાંત સેવાશ્રમ
- નિરાંત સેવાશ્રમ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ
- સંસ્થાને યુનિસેફ તરફથી ઇન્ટરનેશનલ હ્યુમેનિટી એવોર્ડ એનાયત
- મહિલાઓને તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાની કામગીરી
ખેડા : સંતરામ ભૂમિ એવી સાક્ષર નગરી નડિયાદ તેના સાક્ષરો અને સંતરામ મંદિરની વિવિધ સેવાકીય પ્રવૃતિઓથી જાણીતું બન્યું છે. ત્યારે અહીં નાની મોટી અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં નિરાંત સેવાશ્રમ જનસેવા એ જ પ્રભુસેવા ઉક્તિને ચરિતાર્થ કરી સેવા પ્રવૃત્તિના પર્યાયરૂપ બની રહી છે. સંસ્થાને યુનિસેફ તરફથી ઇન્ટરનેશનલ હ્યુમેનિટી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ
સંસ્થા દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જરૂરિયાતમંદો માટે ભોજન સેવા,ટિફિન સેવા,વિનામૂલ્યે દવાની સેવા,એમ્બ્યુલન્સની સેવા, અંત્યેષ્ઠી કીટ સહિતની અનેક સેવા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તે ઉપરાંત જરૂરિયાતમંદો માટે રાહતદરે ફિઝિયોથેરાપી સેન્ટર તેમજ તંદુરસ્ત નવી પેઢીના નિર્માણ માટે રાહત દરે જીમ પણ ચલાવવામાં આવે છે. બહુવિધ સેવાકીય પ્રવૃત્તિઓને લઈને સંસ્થાને અનેકવિધ એવોર્ડ તેમજ સન્માન મળી ચુક્યા છે. આ ઉપરાંત ISO 9001 પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે.
જરૂરિયાતમંદ મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની પોતાનું તેમજ પરિવારનું ગુજરાન કરી શકે તેમજ ગુજરાનમાં મદદરૂપ થઇ શકે તે માટે ઉમદા કામગીરી સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે. સમાજના નિમ્ન વર્ગની અનેક જરૂરિયાતમંદ મહિલાઓ સંસ્થામાં તાલીમ મેળવી પગભર બની સ્વમાનભેર જીવન નિર્વાહ કરી રહી છે.
સંસ્થા દ્વારા ક્યારેય રોકડ ફાળો કે દાન ઉઘરાવવામાં આવતું નથી
મહત્વપૂર્ણ છે કે, અનેકવિધ ઉમદા સેવાકીય પ્રવૃત્તિ કરતી નડિયાદની નિરાંત સેવાશ્રમ સંસ્થા દ્વારા ક્યારેય રોકડ ફાળો કે, દાન ઉઘરાવવામાં આવતું નથી. સ્વૈચ્છિક રીતે જ સંસ્થાને જરૂરિયાતની સાધન સહાય સેવાભાવી લોકો દ્વારા ઉપલબ્ધ કરાવાય છે. જેના દ્વારા વિવિધ સેવકાર્યોની સરવાણી વર્ષોથી સતત વહી રહી છે. ત્યારે ખરેખર જ આ સેવા સંસ્થા જનસેવા એ જ પ્રભુસેવાની ઉક્તિને સાચા અર્થમાં સાર્થક કરી રહી છે.