ખેડા: નડિયાદમાં 6 વર્ષ અગાઉ માનવતાને શર્મસાર કરતી ઘટના બની હતી. જેમાં એક નરાધમ પિતાએ પોતાની જ અઢી વર્ષની સગી દિકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું, આ અંગેની ફરિયાદ નડીયાદ ટાઉન પોલિસ સ્ટેશનમાં નોંધાઈ હતી. એટલું જ નહીં હેવાન પિતાના આ કુકર્મમાં પરિવારના અન્ય લોકોએ પણ સાથ આપ્યો હતો. નડિયાદમા રહેતા એક નરાધમ પિતાએ તેની અઢી વર્ષની સગી દિકરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ અંગે ભોગ બનનાર માસુમ દિકરીની માતા દ્વારા વર્ષ 2018માં પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
નરાધમ પિતાને આજીવન કેદ: આ કેસ નડિયાદના સ્પે.જજ (પોસ્કો) એસ.પી.રાહતકરની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ પ્રેમ તિવારીએ કુલ 17 સાક્ષીઓના પુરાવા અને લગભગ 42 જેટલા દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. આ તમામ બાબતો ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપી પિતાને આજીવન કેદની સજા ફટકારી હતી, જ્યારે અન્ય આરોપીઓ સામે પુરાવા ન મળતા શંકાનો લાભ આપી છોડી મુકવાનો આદેશ કર્યો હતો. સજા ફરમાવેલ આરોપીને રૂપિયા 1 લાખ 80 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને ભોગ બનનારને પણ 1.50 લાખનું વળતર ચૂકવવા હુકમ કરાયો છે.
જીવે ત્યાં સુધી સજા: સરકારી વકીલ પ્રેમ તિવારીએ જણાવ્યુ હતું કે, આ કેસમાં 17 સાહેદોના પુરાવા અને 42 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. જેને ધ્યાનમાં લઈ કોર્ટ દ્વારા આરોપીને છેલ્લાં શ્વાસ સુધી જેલની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. તેમજ આરોપીને રૂ.1 લાખ 80 હજાર દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને ભોગ બનનારને 1.50 લાખનું વળતર ચૂકવવા હુકમ કરાયો છે. ઉપરાંત વિક્ટિમ કંમ્પસેશન સ્કીમ અન્વયે ભોગ બનનારને રૂપિયા સાત લાખ ચૂકવવાનો હુકમ કર્યો છે.