ખેડાઃ મહુધાના શેરી ગામના યુવાન દેશસેવા કરતા શહીદ થયા છે. વિજયસિંહ સોઢા પરમાર ફરજ દરમિયાન ટપાલ લઈ જતા હતા ત્યારે ટ્રેનમાંથી આકસ્મિક રીતે પડી જતાં તેમનું અવસાન થયું હતું. પરિવારજનો સહિત ગામ અને પંથકમાં ભારે ગમગીની ફેલાવા પામી હતી. શહીદની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. શહીદને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
શેરી ગામે યોજાઈ શહીદયાત્રાઃ જેમાં શહીદને અંતિમ સલામી આપવા વિશાળ જનમેદની ઉમટી હતી. મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહીડા સહિતના આગેવાનો, સ્થાનિકો, પોલીસ સ્ટાફ તેમજ ખેડા જીલ્લા માજી સૈનિક સંગઠન અંતિમવિધીમાં પહોંચ્યા હતા.જે પ્રસંગે દેશભક્તિનો માહોલ સર્જાયો હતો અને શહીદ વિજયસિંહ અમર રહો, ભારતમાતા કી જય, વંદે માતરમના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
વિજયસિંહ શહીદ થતાં પરિવારજનો અને ગામમાં ભારે દુખની લાગણી ફેલાવા પામી છે. માન સન્માન સાથે શહીદયાત્રા યોજી તેમની અંતિમવિધી યોજાઈ હતી...મુકેશભાઈ(શહીદ વિજયસિંહના પિતરાઈ ભાઈ)
21 વર્ષની દેશસેવાઃ વિજયસિંહ સોઢા પરમારે તેમના ગામની બાજુમાં આવેલી અલીણા ગામની હાઈસ્કૂલમાં બારમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. સત્તર વર્ષની ઉંમરથી જ તેઓ ભારતીય સેનામાં જોડાયા હતા. તેમણે 8 ગાર્ડ રેજીમેન્ટ આર્મીમાં 21 વર્ષ ફરજ બજાવી હતી. વર્ષ 2002માં તેમનું પહેલું પોસ્ટિંગ પંજાબના પટીયાલા ખાતે થયું હતું. જ્યારે તેમનું અંતિમ પોસ્ટિંગ રાજસ્થાનના બિકાનેર ખાતે હતું. જે દરમિયાન તા.27 ઓગસ્ટ 2023ના રોજ દેશસેવા કરતા એમણે અકસ્માતમાં તેમનો જીવ ખોયો હતો.
કુટુંબનો એકમાત્ર આધારઃ શહીદ વિજયસિંહના પરિવારમાં તેમના માતા ગીતાબેન, પત્ની સપનાબેન, 4 વર્ષીય પુત્ર શૌર્યકુમાર અને 7 વર્ષીય દીકરી નેહાન્સી છે. તેમના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે. શહીદ તેમના કુટુંબનો એકમાત્ર સહારો હતા. તેમના કૌટુંબિક ભાઈઓના પરિવારો પણ ગામમાં જ રહે છે.