ખાડાઓ વચ્ચેનો ઊબડખાબડ એવો ડાકોર કપડવંજ રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. આ રોડ પર વાહનચાલકોને ગોકળગાયની ગતિથી પસાર થવું પડે છે. અનેક ખાડાઓ વચ્ચેથી પસાર થવું વાહન ચાલકો માટે ભારે ત્રાસદાયક બની રહ્યું છે. ઉબડખાબડ રોડ પરથી ધૂળની ડમરીઓ ઉડાડી પસાર થતા વાહનોને લઈ આસપાસ રહેતા લોકો તેમજ રોડ પર દુકાન ધરાવતા વેપારીઓ પણ ભારે પરેશાન છે. વાહનચાલકોને અકસ્માત થવાના તેમજ ઇજાગ્રસ્ત થવાના પણ બનાવો બન્યા છે.
જેને લઈ રોડ પર અવરજવર કરવી વાહનચાલકો માટે જોખમી બની રહી છે. તંત્ર દ્વારા માત્ર દેખાડા પૂરતી સમારકામની કામગીરી કરવામાં આવે છે. જે થોડા દિવસ બાદ રોડની હાલત જેમની તેમ થઈ જાય છે. જેને લઈ લોકોમાં તંત્રની કામગીરી પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ અગત્યનો ધમધમતો સ્ટેટ હાઇવે પર ભારવાહક વાહનો સહિત રોજિંદી મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. જેને લઈ વહેલી તકે રોડનું સમારકામ કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.