ખેડા: ઠાસરા તાલુકાના કાલસર ગામે અસામાજિક તત્વો બેફામ થયા છે. ખેડા કલેક્ટરના જાહેરનામાંનો ભંગ કરી ગામમાં રોફ મારતાં બે જુથો વચ્ચે તણાવ વધતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ત્યાર બાદ કાલસર સરપંચના ફોન કરવાથી બે જૂથો વચ્ચે થયેલો ઝગડો થાળે પાડવા આવેલા બે પોલીસકર્મી પર અસામાજિક તત્વોએ પથ્થર અને ઈંટોથી હુમલો કર્યો હતો. જેમાં બે પોલીસ કર્મી ઘાયલ થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ કોન્સેટેબલ અલ્પેશકુમાર સોમાભાઈ છેલ્લા દોઢ એક વર્ષથી ડાકોર પોલીસ સ્ટેશન તાબે કાલસર આઉટ પોસ્ટ ખાતે ફરજ બજાવે છે. અત્યારે ચાલી રહેલા કોરોના વાઈરસ સંક્રમણની ગંભીર પરિસ્થિતિને લઈ લોકડાઉન પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. જેમાં પો.કો.અલ્પેશકુમાર સોમાભાઈ અને તેમની સાથે બે હોમગાર્ડ જવાનને ચેકપોસ્ટ ઉપર બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો.
ગુરુવારના મોડી રાત્રે એકજ કોમના બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. જેને લઇને કાલસર સરપંચ દ્વારા ગામમાં શરૂ થયેલ ઝગડાની માહિતી ફોન દ્વારા મલતા એક હોમગાર્ડને ચેકપોસ્ટ સોંપી બીજા હોમગાર્ડ સાથે પો.કો.અલ્પેશકુમાર ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી.
ઝગડો કરતા ટોળાએ ઉશ્કેરાઈને પોલીસ કોન્સટેબલ અને હોમગાર્ડ જવાન પર પથ્થર અને ઈંટોથી હુમલો કર્યો હતો. આ અંગે જાણ થતા ડાકોર પોલીસનો કાફલો ધટના સ્થળે પહોચ્યો હતો. ઘાયલ પોલીસ કર્મી અને હોમગાર્ડ જવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડાકોર પોલીસ દ્વારા ઘાયલ પોલીસ કર્મીની ફરિયાદ આધારે 11 આરોપીઓની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.