ખેડા : ખેડા જિલ્લાના નડિયાદમાં રાવણદહન જોઈ બાળક સાથે ઘરે પરત ફરી રહેલી પરિણીતા સાથે દુષ્કર્મની ઘટના બનવા પામી હતી. પરિણીતા રસ્તો ભૂલી જતાં તેનો ગેરલાભ ઉઠાવી લિફ્ટ આપવાના બહાને આરોપીએ પરિણીતા અને તેના બાળકને કારમાં બેસાડ્યા હતા. જે બાદ સુમસામ જગ્યાએ કાર અટકાવી બાળકને મારી નાંખવાની ધમકી આપી તેણીની સાથે દુષ્કર્મ આચરી આરોપી ફરાર થઈ ગયો હતો. ઘટના મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
રાવણદહનનો કાર્યક્રમ પત્યા બાદ ઘરે જતી મહિલા ભૂલી પડી ગઈ હતી. જે દરમિયાન સોમાભાઈ સોઢાએ મારે ડાકોર જવાનું છે તમને વચ્ચે ઉતારી દઈશ તેમ જણાવી મહિલા અને તેના બાળકને કારમાં બેસાડ્યા હતા. જે બાદ રસ્તામાં રોડની સાઈડમાં કાર ઉતારી મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે નડિયાદ રૂરલ પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે...વી. આર. વાજપેયી ( ડીવાયએસપી, નડિયાદ )
ઘરનો રસ્તો ભૂલી જતાં એક્સપ્રેસ હાઇવે ચડી : દશેરાએ નડિયાદમાં રાવણદહન જોવા માટે નડીયાદ નજીકના એક ગામની પરિણીતા તેના બાળક સાથે ગઈ હતી. રાવણદહન જોયા બાદ રાત્રે ભારે ભીડ વચ્ચે અટવાયેલી 30 વર્ષિય પરિણીતા ગામ તરફનો રસ્તો ભૂલી ગઈ હતી. જેને લઈ તેણી એક્સપ્રેસ હાઇવે પર ચઢી ગઈ હતી. જ્યાંથી આઈસરમાં બેસી ગઈ હતી. આઈસર ચાલકે આ મહિલાને નડિયાદના બીલોદરા બ્રીજ પર ઉતારી હતી.જે દરમિયાન મહિલા એક્સપ્રેસ હાઇવેથી નીચે ઉતરી આવતા જતા વાહનોને હાથ કરતી હતી. પરંતુ કોઈ વાહન ન ઊભુ રાખતા નજીક આવેલ મન્ચ્યુરીયનની હોટલે રસ્તો ભૂલી ગઈ હોવાનું જણાવી મદદ માગી હતી.
ગામમાં ઉતારી દેવાનું જણાવી કારમાં બેસાડી : જે દરમ્યાન ત્યાં હાજર આરોપીએ મહિલાને તમે ચિંતા ના કરો મારે ડાકોર તરફ જવાનુ હોય હું તમને વચ્ચે તમારા ગામે ઉતારી દઈશ તેમ જણાવ્યુ હતું.જે બાદ આરોપી પાસે બાઈક હોઈ તે બાઈક મુકી કાર લઈને આવ્યો હતો.જેમાં તેણે મહિલા તેમજ તેના બાળકને બેસાડ્યા હતા.
બાળકને મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું : આરોપીએ મહિલાને પોતાનો પરિચય સોમાભાઈ સોઢા (રહે.બિલોદરા) હોવાનો આપ્યો હતો.બાદમાં ચાલુ કારમાં પરિણીતા ને અડપલા કરવા લાગ્યો હતો. મહિલાએ આમ ન કરવા જણાવતાં અકળાયેલા સોમાભાઈ સોઢાએ તેણીના બાળકને પાછળની સીટ પર ફેંકી દીધો હતો.પીડિતા તાબે ન થતાં આ સોમાભાઈ સોઢાએ કહ્યું કે, જો તુ તાબે નહીં થવ તો તને અને તારા બાળકને મારી નાખીશ અને ફેકી દઈશ તેવી ધમકી આપી હતી. આ બાદ દુષ્કર્મ આચરી તેણીને ત્યાં કારમાંથી ઉતારી સોમાભાઈ સોઢા ફરાર થઈ ગયો હતો.
નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી : મોડી રાત્રે 11 વાગ્યાની આસપાસ પીડિતા પોતાના બાળકને લઈને ઘરે પહોંચી હતી. પોતાની આપવીતી જણાવી હતી.જે બાદ ગતરોજ સમગ્ર મામલે પીડિતાએ નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને હવસખોર સોમા સોઢા સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે હાથ ધરી કાર્યવાહી : પીડિતાની ફરિયાદને આધારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરતાં કાર સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે ગુનામાં વપરાયેલી સ્વિફ્ટ કાર નંબર GJ 07 DF 7642 જે કારની આગળના ભાગે નંબર પ્લેટ ઉપર ભાજપના કમળના નિશાન છે અને વચ્ચે અંગ્રેજીમાં એમ બી રાજપૂત લખેલ છે જે કાર પોલીસે કબ્જે કરી છે. નડીયાદના બીલોદરા ગામનો રહેવાસી સોમાભાઈ સોઢા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હત્યાના મામલામાં દસ વર્ષની સજા ભોગવી રહ્યો હોવાનું અને હાલ જામીન ઉપર બહાર હોવાનુ ખૂલ્યું છે.