- જેમના સન્માનમાં સ્ટેચ્યૂ બન્યું છે તે સરદાર સાહેબની જન્મભૂમિને જ સ્ટોપેજ નહીં
- સ્ટોપેજ નહી અપાતા ભારે નારાજગી
- નડીયાદ ખાતે ટ્રેનને સ્ટોપેજ આપવા માગ
ખેડા: કેવડીયા ખાતે આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચવા સરળતા રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર દેશમાંથી કેવડિયા જતી આઠ જેટલી ટ્રેનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. પ્રથમ દિવસે ટ્રેન ઉભી રહેતા ભારે ઉમળકાભેર કાર્યક્રમ યોજાયો હતો.અમદાવાદથી કેવડીયા જતી જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને પ્રથમ દિવસે નડીયાદ રેલ્વે સ્ટેશને સ્ટોપેજ અપાયું હતું. જેમાં રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં નાગરિકો સહિત શિક્ષણપ્રધાન તેમ જ સાંસદ અને મુખ્ય દંડક સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉમળકાભેર કાર્યક્રમ યોજાયો હતો.બાદમાં રાજકીય અગ્રણીઓ દ્વારા ટ્રેનને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરવાયું હતું.
જેમના સન્માનમાં સ્ટેચ્યૂ બન્યું છે તે સરદાર સાહેબની જન્મભૂમિને જ સ્ટોપેજ નહીં
નડીયાદ ખાતે પ્રથમ દિવસે ટ્રેનને સ્ટોપેજ આપ્યાં બાદ બીજા દિવસથી ટ્રેન ઉભી રાખવામાં આવતી નથી. કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેમના સન્માનમાં બનેલ છે તેવા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મભુમિ નડીયાદને જ ટ્રેનનું સ્ટોપેજ ન આપતાં નડીયાદ શહેર અને જિલ્લાના નાગરિકોમાં ભારે નારાજગી ફેલાવા પામી છે. જિલ્લાભરના નાગરિકો સહિત આગેવાનો દ્વારા જન શતાબ્દી એક્સપ્રેસને નડીયાદ ખાતે સ્ટોપેજ આપવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. જેને લઈ સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા કેન્દ્રીય રેલપ્રધાન પીયૂષ ગોયલને પત્ર લખી અમદાવાદથી કેવડીયા જતી જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને નડીયાદ સ્ટેશને સ્ટોપેજ આપવાની માગ કરી છે. જે બાબતે જલદી નિર્ણય કરવા રેલ પ્રધાનને નમ્ર નિવેદન કરાયું છે.