ખેડા તાલુકાના પીગલજમાં ફરિયાદીએ ખેતીની જમીન રજીસ્ટર દસ્તાવેજથી ખરીદી હતી. જે જમીનની કાચી નોંધ મામલતદાર કચેરી ખેડા ખાતે પાડવામાં આવી હતી. જે કાચી નોંધ બાદ 45 દિવસ પછી ફરિયાદી પાકી નોંધ કરાવવા માટે જતા ખેડા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર દ્વારા જમીનની પાકી નોંધ માટે રૂ.૧૦ લાખની માંગણી કરવામાં આવી હતી.
જે પૈકી રૂ.૫ લાખ પહેલા અને રૂ.૫ લાખ પાકી નોંધ બાદ આપવાનું જણાવ્યું હતું. જે મામલે ફરિયાદી દ્વારા ખેડા એસીબીને ફરિયાદ કરતા એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ખેડા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર ભાનુપ્રસાદ વૈષ્ણવ મળતિયા વકીલ લિયાકત ખાન પઠાણ સાથે રૂ.૫ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ ગયા હતા. જે મામલે એસીબી દ્વારા બંને આરોપી વિરુદ્ધ લાંચ લેવા બાબતે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.