મંદિર અંગે એવી માન્યતા છે કે, પ્રાચીન સમયમાં ગાલવ ઋષિએ 10 હજાર વર્ષ સુધી શંકર ભગવાનની તપસ્યા કરી હતી. જે તપસ્યાથી પ્રસન્ન થઈ શંકર ભગવાને આ શિવલિંગના સ્વરૂપે ગાલવ ઋષિને દર્શન આપ્યા હતા. એટલે આ એક સ્વયંભૂ શિવલિંગ છે. તે સમયે અહીં કુંતલપુર નામનું નગર હતું. જેનો ચંદ્રહાસ નામે રાજા રાજ્ય કરતો હતો. જેના દ્વારા અહીંયા આ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ મોગલ સામ્રાજ્ય દરમિયાન આક્રમણ થતા મંદિરને તોડી પડાયું હતું.
પુરાતત્ત્વ વિભાગ દ્વારા રક્ષિત હોઈ હાલ આ વિભાગ દ્વારા મંદિરનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. આ સ્વયંભૂ શિવલિંગ પર ગળતી નદીના જળનો અભિષેક સતત થતો રહે છે. મહી અને ગળતી નદીના સંગમ સ્થાન પર આ મંદિર હોવાથી તેનો વિશેષ મહિમા રહેલો છે. અહીં નદીમાં સ્નાન કરી લોકો ભગવાનના દર્શન કરે છે. શ્રાવણ મહિનામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. આ મંદિર ડાકોરથી નજીક હોવાથી ડાકોર આવતાં યાત્રિકો અહીં અચૂક આવી ભોળાનાથના દર્શન કરે છે. અહીં એવી પણ માન્યતા છે કે 1 કિલો ઘી અખંડ જ્યોતમાં ધરાવવાથી સંતાન પ્રાપ્તિ થાય છે. તેમજ સફેદ દાગ દૂર થાય છે. શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અહીં આવી મનોકામના પુરી કરવા શ્રદ્ધાથી ભોળાનાથને શીશ ઝૂકાવે છે.