ખેડાઃ વિશ્વવ્યાપી કોરોના મહામારી સામે સરકારો સહિત લોકો દ્વારા લડત આદરવામાં આવી રહી છે. જેમાં લોકો દ્વારા યથાશક્તિ દાન સહિતની વિવિધ મદદ કરવામાં આવી રહી છે. ત્યારે ખેડા જિલ્લામાં એક ધરતીપુત્ર દ્વારા એકલપંડે કોરોના સામે જંગ છેડવામાં આવી છે.
નડિયાદ તાલુકાના અરેરા ગામના યુવા ખેડૂત દેવેન્દ્રભાઈ પટેલ પોતાના ખર્ચે અને મહેનતે સમગ્ર જિલ્લાને સેનેટાઇઝ કરવાની કામગીરી કરી રહ્યા છે. દેવેન્દ્ર ભાઈનું કહેવું છે કે તેમણે વડાપ્રધાન મોદીમાંથી પ્રેરણા લીધી છે. વડાપ્રધાન જ્યારે 12 કલાક કામગીરી કરતા હોય ત્યારે આપણી ફરજ છે કે કોરોના સામેની લડતને ગંભીરતાથી લઇ અને આપણે પણ બનતું કરીએ. જેને લઈ કોરોના સામે હું કઈ રીતે લડી શકું તે વિચાર્યું અને તેને અંતે સમગ્ર જિલ્લાની એકેએક ગલી અને ઘર સેનેટાઇઝ કરવાનું પ્રારંભ કર્યું છે.
વહેલી સવારથી જ દેવેન્દ્રભાઈ બાઈક અને પંપ લઈ ઘરેથી નીકળે છે. શહેર સહિત જિલ્લાના તાલુકા વાઈઝ ગામડાઓને સેનેટાઇઝ કરવાની કામગીરી કરે છે. દિવસ દરમિયાન તેઓ 15 કલાક જેટલી કામગીરી કરે છે. વિવિધ ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારોમાં ઘરો, ગલી, મહોલ્લા અને ફળિયા સેનેટાઈઝ કરતા કરતા આગળ વધી રહ્યા છે. અત્યાર સુધી તેઓ 5 હજાર ઉપરાંત ઘરો અને અનેક ગામડાઓ તથા નડિયાદ શહેરના ઘણા વિસ્તારો સેનેટાઇઝ કરી ચtક્યા છે.
આ કામગીરીમાં તેઓ પોતાના એક લાખ રૂપિયા ખર્ચ કરી ચૂક્યા છે. તેઓ જણાવી રહ્યા છે કે સમગ્ર જિલ્લાને સેનેટાઈઝ કરવાની તેમની નેમ છે અને જ્યાં સુધી ખેડા જિલ્લો કોરોના મુકત નહીં થાય ત્યાં સુધી તેઓ પોતાની કોરોના સામેની લડત ચાલુ રાખવાનો નિર્ધાર કર્યો હોવાનું પણ જણાવી રહ્યા છે.
એકલા હાથે સ્વખર્ચે અને જાતમહેનતથી આખો જિલ્લો સેનેટાઇઝ કરવાનું અભિયાન શરૂ કરનાર દેવેન્દ્રભાઈ કોરોના સામે લડવાની સૌને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. ત્યારે દેશ સામે આવી પડેલી અણધારી આફત સામે લડવાના આ અનોખા લડવૈયાના જુસ્સાને ઇટીવી ભારત સલામ કરે છે.