ખેડા : મોંઘવારી વધવા સાથે પર્યાવરણને અનુકૂળ અને ખિસ્સાને પણ પરવડે તેવા વાહનોનો વિકલ્પ હવે ઇલેક્ટ્રિક વાહનોએ ઉપલબ્ધ કરાવ્યો છે. જેને લઈ હાલના સમયમાં ઈ વ્હીકલની ડીમાંડ વધતી જોવા મળે છે. વધતી માંગને લઈ કંપનીઓ દ્વારા વિવિધ અવનવા ઈ વ્હીકલ બનાવાઈ રહ્યા છે. હાલ માર્કેટમાં ઈ બાઈક, ઈ સ્કૂટરથી માંડી ઈ બસ અને ઈ ટ્રક સહેલાઈથી અવેલેબલ બન્યા છે. ત્યારે ખેડામાં પહેલીવાર આધુનિક સુવિધાઓથી સજ્જ ઈ ટ્રક બનાવાઈ રહી છે. જેનું અત્યાર સુધી 22 હજાર જેટલું બુકિંગ થઈ ગયુ છે.
ઈલેક્ટ્રીક ટ્રકનું લોન્ચિંગ : આ ઇલેક્ટ્રિક ટ્રક ખેડાની પહેલી મેક ઈન ઈન્ડિયા છે. મૂળ ગુજરાતના અને અમેરિકામાં વસતાં હિમાંશુ પટેલની ટાઈટન કંપની દ્વારા આ ઇ ટ્રક બનાવાઈ છે. ટાઈટન ઇલેક્ટ્રિક વ્હીકલ ઈન્ડિયા પ્રા.લિ.(TEV) દ્વારા ખેડા ખાતેના તેના આરએન્ડડી સેન્ટર ખાતેથી પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રકનું લોન્ચિંગ કરાયું છે.
આધુનિક સુવિધાઓથી સજ્જ ઈ ટ્રક : આ ઈ ટ્રકમાં વિવિધ આધુનિક સુવિધાઓ સાથે સરળતા અને સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. કોઈપણ વ્યક્તિ સરળતાથી ટ્રક ચલાવી શકશે. ઈલેક્ટ્રોનિક ગિયરબોક્સ, બ્લુટુથ, નેવિગેશન તેમજ સાઈડના બંને મિરરમાં કેમેરા, બેટરીમાં ફોલ્ટ હોય તો તેનું નોટિફિકેશન આવે છે. ટ્રકમાં એસી કેબિનમાં આરામથી સુવા માટેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાય છે. ટર્ન લેતી વખતે ટ્રક બેલેન્સ કરી શકે તેવી ફ્રેમ બનાવવામાં આવી છે. મેક ઈન ઈન્ડિયા મુજબ ટ્રકમાં લોકલ પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઈ ટ્રકની કિંમત કેટલી : અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ મેક ઈન ઈન્ડિયા એવી આ ઈ ટ્રકની કિંમત 1.2 કરોડ છે. તેને ભારતીય પરિસ્થિતિ અનુરૂપ બનાવાઈ છે. આ ઈ ટ્રકનું અત્યાર સુધી 22 હજાર જેટલું બુકિંગ થઈ ચૂક્યું છે. ડિઝલ ટ્રકથી ઓછા ખર્ચે આ ઈ ટ્રક ચાલી શકે છે. આ ટ્રકને ફુલ ચાર્જ કરવામાં આવે તો 45 ટનના ફુલ લોડ સાથે 300 કિલોમીટરની માઈલેજ આપે છે. કાર્બન ઉત્સર્જન નિયંત્રણ કરી પર્યાવરણની જાળવણીમાં પણ યોગદાન આપે છે.
આ પણ વાંચો : વાહન વેચાણમાં સુરત અવ્વલ, એક વર્ષમાં 12000 વધુ ગાડી છૂટી
ઈ ટ્રક બનાવવાનો પ્રયાસ : ટાઈટન ઇલેક્ટ્રીક વ્હીકલ ઈન્ડિયા પ્રા.લિ.ના સ્થાપક અને એમડી હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, અમે બેસ્ટ ઈ ટ્રક બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ ઈ ટ્રક અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવા સાથે તેમાં સરળતા અને સુરક્ષાનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. ભારતીય પરિસ્થિતિ અનુરૂપ બનાવાઈ છે. ટ્રકમાં અમે લોકલ પાર્ટ્સનો જ ઉપયોગ કર્યો છે. એટલે આ ઈ ટ્રક મેક ઇન ઇન્ડિયાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડશે.
આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલનો ઓપ્શન બની રહેશે ઈથેનોલઃ અમિત શાહ
દેશ વિદેશમાં દોડશે ઈ ટ્રક : ખેડામાં બનાવાયેલી ઈ ટ્રક હવે દેશ વિદેશના રોડ પર દોડતી જોવા મળશે. ટાઈટન કંપનીની ખેડા ખાતે આરએન્ડડી સુવિધા આવેલી છે. જ્યાં આ ઈ ટ્રક બનાવવામાં આવી છે. ટાઈટન ઇલેક્ટ્રીક વ્હીકલ ઈન્ડિયા પ્રા.લિ.એ ટાઈટન ઇલેક્ટ્રિક વ્હીકલ યુએસએની ભારતીય સબસિડિયરી છે. જે ખેડા ખાતેના આરએન્ડડી સેન્ટર ખાતે થ્રી વ્હીલર, ડીફેન્સ વ્હીકલ, હાઇડ્રોજન બસ, હાઇડ્રોજન સ્કૂટર તેમજ ઈલેક્ટ્રીક ટ્રક બનાવશે.