- સ્વખર્ચે અને જાતમહેનતે કરી રહ્યા છે સમગ્ર જિલ્લાને સેનેટાઈઝ
- રોજના 12 થી 14 કલાક કરી રહ્યા છે કામગીરી
- એક વર્ષમાં અત્યાર સુધી રૂપિયા 6.5 લાખનો આવ્યો છે ખર્ચ
ખેડાઃ જિલ્લામાં એક ખેડૂત અનોખી રીતે કોરોના સામે બાથ ભીડી રહ્યો છે. સમગ્ર જિલ્લાને કોરોના મુક્ત કરવાની નેમ સાથે આ ખેડૂત દ્વારા જિલ્લાભરમાં સ્વખર્ચે અને જાતમહેનતે સેનેટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. નડિયાદ તાલુકાના અરેરા ગામના ખેડૂત દેવેન્દ્ર પટેલ એક વર્ષથી પોતાના ખર્ચે અને મહેનતે સમગ્ર જિલ્લાને સેનેટાઇઝ કરવાની કામગીરી કરી રહ્યાં છે.
5 હજાર ઉપરાંત જાહેર, ખાનગી તેમજ રહેણાંક સ્થળોને કર્યા છે સેનેટાઈઝ
દેવેન્દ્ર પટેલ દરરોજ વહેલી સવારથી જ બાઈક અને પંપ લઈ ઘરેથી નીકળે છે અને શહેર સહિત જિલ્લાના તાલુકા પ્રમાણે ગામડાઓને સેનેટાઇઝ કરવાની કામગીરી કરે છે. જિલ્લામાંથી કોઈ સ્થળેથી ફોન આવે તો ત્યાં પહોંચી સેનેટાઈઝ કરે છે. દિવસ દરમિયાન તેઓ 12 થી 14 કલાક જેટલી કામગીરી કરે છે. વિવિધ ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારોમાં ઘર, ગલી, મહોલ્લા અને ફળિયામાં સેનેટાઈઝની કામગીરી કરે છે. અત્યાર સુધી તેઓ 5 હજાર ઉપરાંત ઘરો અને અનેક ગામડાઓ તથા નડિયાદ શહેરના ઘણા વિસ્તારો સેનેટાઇઝ કરી ચુક્યા છે. આ કામગીરીમાં તેઓ અત્યાર સુધી પોતાના સાડા 6 લાખ રૂપિયા ખર્ચ કરી ચુક્યાં છે.
આ પણ વાંચોઃ સુરતના DCP સરોજકુમારીને 'મહિલા કોરોના યોદ્ધા: વાસ્તવિક હીરો' એવોર્ડ એનાયત
દેવેન્દ્ર પટેલ સ્વખર્ચે જ કામગીરી કરે છે
જિલ્લામાંથી કોઇપણ ફોન કરે એટલે દેવેન્દ્ર પટેલ બાઈક પર પંપ લઇ સેનેટાઈઝેશન માટે પહોંચી જાય છે. તે સિવાયના સમયે વિવિધ જાહેર સ્થળોને સેનેટાઈઝ કરવાની કામગીરી ચાલુ રાખે છે. દેવેન્દ્ર પટેલ સ્વખર્ચે જ કામગીરી કરે છે કોઈની પાસેથી કોઈપણ પ્રકારની અપેક્ષા રાખતા નથી. અત્યાર સુધી એક વર્ષ દરમિયાન તેઓ રૂપિયા 6.5 લાખ ખર્ચો કરી ચુક્યા છે. તેમજ હજી કામગીરી ચાલુ જ છે. તેમની કામગીરીને લઈ લોકો તેમને અવારનવાર મદદ કરવા માટે જણાવે છે. પરંતુ સંવેદનશીલ અને સેવાના ભેખધારી દેવેન્દ્ર પટેલ જરૂર પડશે ત્યારે જણાવીશું કહી આભાર જતાવી પ્રેમથી મદદનો અસ્વીકાર કરે છે.
આ પણ વાંચોઃ રેલવે કર્મચારીઓના કોરોના વોરિયર એટલે સંજય સૂર્યાબલી
ડરના માહોલમાં લોકોને મદદરૂપ થવા કામગીરી શરૂ કરી
દેવેન્દ્ર પટેલે કહ્યું કે, કોરોનાને લઈ લોકો ભારે હતાશ હતા, ડરનો માહોલ હતો. જેમાં સમાજને, લોકોને માનસિક મદદ મળે તે માટે મદદરૂપ થવા માટે હું કોરોના સામે કઈ રીતે લડી શકું તે વિચારી અને અંતે સમગ્ર જિલ્લાની એકેએક ગલી અને ઘર સેનેટાઇઝ કરવાનો પ્રારંભ કર્યો હતો. તેઓએ વધુમાં જણવ્યું કે, સમગ્ર જિલ્લાને સેનેટાઈઝ કરવાની તેમની નેમ છે અને જ્યાં સુધી ખેડા જિલ્લો કોરોના મુકત નહીં થાય ત્યાં સુધી તેઓ પોતાની કોરોના સામેની લડત ચાલુ રાખશે.
પરિવારજનો સતત ચિંતિત
દેવેન્દ્ર પટેલના પત્ની અને પુત્ર તેમની આ કામગીરીને લઈ શરૂઆતમાં સતત ચિંતિત રહેતા હતા. તેમને અવારનવાર સમજાવતા તેમજ રોકવા પ્રયાસ કરતા હતા. ક્યારેક પંપ પણ સંતાડી દેતા હતા. જોકે, દેવેન્દ્ર પટેલ અંતે પરિવારજનોને સમજાવવામાં સફળ થયા હતા અને કામગીરી ચાલુ રાખી હતી.
આ પણ વાંચોઃ નડીયાદમાં જેસીઆઈ દ્વારા કોરોના વોરિયર્સ તેમજ સમાજસેવકોનું સન્માન કરાયું
વર્ષ દરમિયાન સારા નરસા અનુભવો થયાઃ દેવેન્દ્ર પટેલ
એક વર્ષ દરમિયાન થયેલા વિવિધ અનુભવો અંગે વાત કરતા દેવેન્દ્ર પટેલે જણાવ્યું કે, સેનેટાઈઝની કામગીરી દરમિયાન મને સારા અને નરસા બન્ને પ્રકારના અનુભવો થયા છે, પણ સમાજ છે ચાલ્યા કરે અમે તેનો સ્વીકાર કરી કામગીરી કરી છે. તેમણે કહ્યું કે, લોકડાઉનના સમયમાં સતત 12 થી 14 કલાક સેનેટાઈઝેશનની કામગીરી કરી છે. પીવાના પાણીની તેમજ ક્યારેક ભૂખ લાગી હોય ત્યારે નાસ્તાની તકલીફો પડી છે. પરંતુ સેવા કરવા નીકળ્યા છે એટલે તકલીફોને અવગણીને કામગીરી બજાવી છે.
એકલા હાથે સ્વખર્ચે અને જાતમહેનતથી કોરોના સામે અવિરત લડાઈ ચાલુ રાખી સમગ્ર જિલ્લાને સેનેટાઇઝ કરવાનું અભિયાન શરૂ કરનારા દેવેન્દ્રભાઈ કોરોના સામે લડવાની સૌને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. ત્યારે દેશ સામે આવી પડેલી અણધારી આફત સામે લડવાના આ અનોખા લડવૈયાના જુસ્સાને ETV BHARAT સલામ કરે છે.