ખેડા : ખેડા જિલ્લામાં થર્ટી ફર્સ્ટને લઈ પોલિસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન સેવાલિયાની મહારાજના મુવાડા ચેકપોસ્ટ પર ગોધરા તરફથી આવી રહેલી મધ્યપ્રદેશ પાર્સિગની કારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન આ કારમાંથી બે ઈસમો દેશી પિસ્તોલ અને કારતૂસ સાથે મળી આવ્યા હતાં.
મહારાજના મુવાડા ચેકપોસ્ટ : ખેડા પોલીસે બંને આરોપીની અટકાયત સાથે કાર, સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ 9.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો હતો. આ સાથે સંદિગ્ધ બાબતોની વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી છે. ખેડા પોલીસ દ્વારા ચેકિંગ કામગીરી દરમિયાન અમદાવાદ ઇન્દોર હાઈવે પર ગોધરા તરફથી આવતી કારને મહારાજના મુવાડા ચેકપોસ્ટ પર અટકાવવામાં આવી હતી.
દેશી બનાવટની પિસ્તોલ તેમજ 9 કારતૂસ ઝડપાયા : સેવાલિયા પોલીસથી મળેલી વિગતો મુજબ કારમાં ચેકિંગ કરતા કારમાં સવાર બે લોકો પાસેથી એક દેશી પિસ્તોલ અને 9 કારતૂસ મળી આવ્યા હતા. તે સાથે રૂમાલમાંથી સોનાની બંગડીઓ, વીટી અને ચાંદીનું કડુ મળી આવ્યાં હતાં. પોલીસે આ તમામ વસ્તુઓ સહિત કાર તેમજ રોકડ રૂપિયા મળી કુલ રૂ.9.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આર્મ્સ એક્ટ હેઠળ ગુનો : ખેડા પોલીસે ગોધરા તરફથી આવી રહેલી કાર નંબર MP 70-C-0662ને શંકાના આધારે અટકાવી હતી. કારમાં સવાર બે વ્યક્તિઓની પૂછપરછ કરતા તેમણે પ્રશાંત રજનીકાંત પાલરેચા અને અક્ષય કૈલાશ પાટીદાર (બંન્ને રહે.જાબુઆ,મધ્યપ્રદેશ) ના હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને વિરૂદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને બંને પાસેથી હથિયાર સાથે સોનાચાંદીના દાગીના પણ મળી આવ્યા છે જેને લઈ ક્યાંથી આવી રહ્યા હતા અને ક્યાં જઈ રહ્યા તેમજ કોઈ ગુનાને અંજામ આપ્યો હતો કે ગુનો કરવા જઈ રહ્યા હતાં તે સહિતની સઘન તપાસ હાથ ધરી છે.