ખેડા : રાજ્યમાં એક બાદ એક પેપર ફૂટવાની ઘટનાઓ બાદ હવે ખેડા જિલ્લામાંથી બોગસ માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે.ખેડા જિલ્લાના ડાકોર પાસેના નેશ ગામેથી બોગસ માર્કશીટ બનાવી વેચવાનું કૌભાંડ ઝડપાયું છે.પોલીસ દ્વારા ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી માર્કશીટો સહિતના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બાતમી મળતાં તપાસ : ખેડા જિલ્લાના ડાકોર પાસેના નેશ ગામે રહેતા કિરણ ચાવડા નામના ઈસમ દ્વારા છેલ્લા કેટલાક સમયથી બોગસ માર્કશીટો બનાવી વેચવામાં આવી રહી છે. તેવી મળેલી માહિતીને આધારે ખેડા એલસીબી દ્વારા તપાસ હાથ ધરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.
60 નકલી માર્કશીટો ઝડપાઈ ખેડા પોલીસ દ્વારા ડાકોરના નેશ ગામેથી ઝડપાયેલા કિરણ ચાવડાના ઘરેથી NIOS તેમજ સ્વામી વિવેકાનંદ સુભાર્થી યુનિવર્સિટી,મેરઠની અલગ અલગ વિદ્યાર્થીઓના નામની 60 જેટલી નકલી માર્કશીટો જપ્ત કરવામાં આવી છે.સમગ્ર મામલે કિરણ ચાવડા,નયન પરમાર તેમજ ડો.અખિલેશ પાંડે વિરૂદ્ધ ડાકોર પોલિસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કિરણ ચાવડા અને નયન પરમારને ઝડપી પાડવામાં આવ્યા છે.જ્યારે ડો.અખિલેશ પાંડેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
રૂપિયા લઈ નકલી સર્ટિફિકેટ બનાવી આપતા : આરોપીઓ સરકારી શૈક્ષણિક સંસ્થાના સર્ટિફીકેટની જરૂરીયાત ધરાવતા જુદા-જુદા ગામડાના વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી માર્કશીટ દીઠ અલગ અલગ રૂપિયા લઇ પરીક્ષા પાસ કરેલ સર્ટી બનાવવામાં આવતા હતા. જે અસલ સર્ટિફિકેટ જણાવી જો તે વિદ્યાર્થીઓને પકડાવી દેતા હતા.
બહારના રાજ્યમાં બનતી હતી માર્કશીટ : પોલીસ તપાસમાં આ નકલી માર્કશીટ બહારના કોઈ રાજ્યમાં બનતી હોવાની હકીકત જાણવા મળી છે. તેમજ ડો.અખિલેશ પાંડે નામનો એક આરોપી પણ ઉત્તરપ્રદેશનો હોવાની શક્યતા છે. જે માર્કશીટ અહીં કુરિયર દ્વારા મોકલાતી હતી. જે બાદ જે તે વિદ્યાર્થીને પહોંચાડવામાં આવતી હતી. ત્યારે નકલી માર્કશીટનો આ ગોરખધંધો આંતરરાજ્ય કૌભાંડ હોવાની શક્યતાને લઈ હાલ પોલિસ દ્વારા તે મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો વડોદરામાં બોગસ માર્કશીટ કૌભાંડ, આરોપીઓ વધુ અન્ય એક ગુનો પણ નોંધાયો
13 વિદ્યાર્થીઓની ધોરણ 10ની માર્કશીટ : આ સમગ્ર કૌભાંડ મામલે જિલ્લા પોલિસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે એલસીબીને મળેલ માહિતીને આધારે એક ઈસમને ઝડપી તેની પૂછપરછ બાદ તેના ઘરે સર્ચ કરતા ત્યાંથી 60 જેટલી અલગ અલગ નકલી માર્કશીટો મળી આવી હતી. જેમાં 13 જેટલા વિદ્યાર્થીઓની ધોરણ 10ની માર્કશીટ મળી છે. જે અલગ-અલગ માર્કશીટ NIOS (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ)ની છે. ત્રણ જેટલા વિદ્યાર્થીઓની ધોરણ 12ની માર્કશીટ મળી છે. અન્ય ત્રણ વિદ્યાર્થીઓની કોલેજ લેવલની માર્કશીટ મળી છે. જે ગુજરાત બહારના વિદ્યાર્થીઓના નામ છે. તમામ મુદ્દામાલ પોલીસે કબજે લઈ આગળ ફરિયાદ દાખલ કરીને આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી બે આરોપીને ધરપકડ કરવામાં આવી છે. હાલ આરોપીઓની પૂછપરછમાં જણાવ્યા મુજબ આ માર્કશીટ છે તે અહીંયા બનતી નથી.માર્કશીટ બહારના રાજ્યમાં બનતી હતી,જે બાબતે હાલ તપાસ ચાલુ છે. સમગ્ર મામલે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી રહી છે.