ખેડા : ખેડા જિલ્લામાં સતત બીજી વખત એક જ જગ્યાએ ચોરી કરી ચોર પોલીસને પડકાર આપી રહ્યા છે. પીજ ગામે આવેલી ગાયત્રી ડેરીમાં તેર દિવસની અંદર બીજી વખત ચોરીની ઘટના સામે આવી છે. બંને વખત મળી ચોરોએ રોકડ સહિત કુલ રૂ.1.35 લાખ પર હાથફેરો કરી દીધો છે. ઘટનાના સીસીટીવીને આધારે વસો પોલીસ દ્વારા ચોરનું પગેરું શોધવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
એક જ જગ્યાએ ફરી ચોરી થઇ : પીજ ગામની ગાયત્રી ડેરીને નિશાને લીધી હોય તેમ ટૂકાગાળામાં બે વાર ચોરીનો બનાવ બન્યો છે. બેફામ બનેલા તસ્કરોએ ફક્ત તેર દિવસની અંદર ફરી ચોરી કરતાં ગામલોકોના આશ્ચર્યનો પાર નથી. પીજ રામોલ રોડ ત્રણ રસ્તા તળાવના કિનારે આવેલી ગાયત્રી ડેરીમાં ગત તા.5/5//2023ના રોજ પતરાંની બારી તોડી રોકડ રૂપિયા 1 લાખ 5 હજારની ચોરી થઈ હતી. જેની વસો પોલીસે ફરિયાદ પણ થઇ છે. આ કેસમાં કંઇ સફળતા મળે એ પહેલાં બીજી વખત 18csS રૂ.30 હજારના મુદ્દામાલની ચોરીની ઘટનાને અંજામ આપી ચોર ફરાર થઈ ગયા છે.
પાંચ તારીખે રૂ.1.5 લાખની ચોરી થયા બાદ તેના CCTV ફૂટેજ પોલિસને આપી ફરિયાદ નોંધાવી હતી. તે બાદ તેર દિવસની અંદર ફરીથી રૂ.30 હજારની ચોરી થઈ છે.જે મામલે પણ પોલીસને જાણ કરાઈ છે. જેમ બને તેમ જલ્દી પોલિસ ચોરને પકડી મુદ્દામાલની રિકવરી કરી આપે એવી અપેક્ષા રાખીએ છીએ... સુરેશભાઈ પંડિત (ગાયત્રી ડેરીના સંચાલક)
કેવી રીતે કરી ચોરી : ઘટનાના સીસીટીવી તપાસતાં જણાયું હતું કે ડેરીના પાછળના ભાગનું પતરૂં કાપીને એક ચોર અંદર આવ્યો હતો. બીજીવારની ચોરીમાં ગાયત્રી ડેરીના પાછળના ભાગનું પતરું કાપી ડેરીમાં પ્રવેશ કરી LED સ્માર્ટ ટીવી, વાઈફાઈનું રાઉટર, પાન મસાલાની પડીકીઓ, રોકડ એક હજારનું પરચૂરણ મળી કુલ રૂ.30 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
સીસીટીવીમાં ચોરીની ઘટના : ચોરીની ઘટનાના CCTV પણ સામે વસો પોલીસને અપાયાં છે. જેમાં ચોર બેખોફપણે ચોરી કરતો નજરે ચડી રહ્યો છે. જો કે ઓળખ છુપાવવા માટે તેણે ટોપી અને માસ્ક પહેરેલો જોવા મળે છે.
જાણભેદુ હોવાની શક્યતા : તસ્કરોને ઝડપવા કાર્યવાહી આ ચોરી મામલે પણ ગાયત્રી ડેરીના સંચાલક દ્વારા વસો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. જેને લઈ વસો પોલીસ દ્વારા ચોરીની બંને ઘટનાઓમાં તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ચોર કોઈ જાણભેદુ હોવાની પણ શક્યતા રહેલી છે જે એંગલથી પણ તપાસ હાથ ધરાઈ છે. પોલિસ દ્વારા CCTV ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું શોધવા સઘન કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.