- બાળકને માતાપિતાનો અને દંપતિને સંતાનનો પ્રેમ મળશે
- બાળક દત્તક લેવા ઇટાલિયન દંપતિએ કરી હતી અરજી
- કાયદાકીય પ્રક્રિયા બાદ બાળક દંપતિને સોંપાયું
ખેડા : નડિયાદ ખાતે આવેલા માતૃછાયા અનાથ આશ્રમમાંથી મંગળવારના રોજ એક 6 વર્ષીય બાળકને ઈટાલીયન દંપતિ દ્વારા દત્તક લેવામાં આવ્યો હતો.
બાળકને માતાપિતાનો અને દંપતિને સંતાનનો પ્રેમ મળશે
અનાથાશ્રમમાં ઉછરી રહેલા બાળકને ઈટાલી ખાતે રહેતા દંપતિ દ્વારા દત્તક લેવાતા બાળકને માતા-પિતાની હૂંફ અને પ્રેમ મળશે. આ સાથે તેનો ઉછેર પણ ઇટાલીમાં સુવિધાયુક્ત માહોલમાં થશે. જેને લઈ અનાથ આશ્રમમાં ખુશીની લાગણી ફેલાઇ છે. સંતાનનો પ્રેમ મળતા વિદેશી દંપતિના ચહેરા પર પણ ખુશી છવાઈ હતી. સૌએ આંખોમાં હરખના આંસુ સાથે બાળકને અનાથ આશ્રમમાંથી વિદાય આપી હતી.
આ પણ વાંચો - અમેરિકાના NRI દંપતિ દ્વારા નડિયાદના બાળકને દત્તક લેવાયો
બાળકને દત્તક લેવા ઇટાલિયન દંપતિએ કરી હતી અરજી
ઇટાલિયન દંપતિ પિયેત્રો દે રિયેન્ઝો અને મારિઆ એલિશાએ ઇટાલિયન ફોરેન એડોપશન એજન્સી દ્વારા ભારત સરકારના સેન્ટ્રલ અડોપ્શન રિસોર્સ એજન્સી, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ન્યૂ દિલ્હીને અરજી કરી હતી. જેમાં ભારત સરકાર દ્વારા ઇટાલિયન દંપતિને માતૃછાયા અનાથ આશ્રમ, નડિયાદના બાળકને દત્તક આપવા માટે આજથી 6 માસ અગાઉ NOC આપવામાં આવ્યું હતું. જેથી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, નડિયાદ દ્વારા ઇટાલિયન દંપતિને બાળકના માતા-પિતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - મોરબી જિલ્લા પોલીસની ઉમદા કામગીરી : દુષ્કર્મનો ભોગ બનનારી મહિલાના બાળકને દત્તક લઇ ઉઠાવશે તમામ ખર્ચ
ઇટાલિયન દંપતિનું કરાયું સન્માન
માતૃછાયા અનાથ આશ્રમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઇટાલિયન દંપતિ પીએત્રો રિયેન્ઝો અને મારિઆ એલિશાનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - ઓઢવના ખાસ દત્તક કેન્દ્રના બાળકને અમેરિકન દંપતીએ દત્તક લીધો
કાયદાકીય પ્રક્રિયા બાદ બાળક દંપતીને સોંપાયું
અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસર રેન મિશ્રાના હસ્તે બાળકને ઇટાલિયન દંપતિને જરૂરી કાયદાકીય પ્રક્રિયા બાદ દત્તક આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન રાકેશ રાવ તથા સભ્યો, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલ. જી. ભરવાડ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મહેશ પટેલ, અનાથ આશ્રમના ડાયરેકટર સી. મીના મેકવાન, અધિક્ષક સંદીપ પરમાર, સોશિયલ વર્કર સી. શીતલ પરમાર, કાઉન્સલર સી. મંજૂ ખરાડી તથા સ્ટાફ સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા.