ખેડા: એક અંદાજ પ્રમાણે અમેરિકામાં 60% થી વધુ લોકો ચાલુ પગાર પર નભે છે. એટલે હાલ, રેસ્ટોરન્ટ તથા અન્ય ધંધાઓ બંધ થતાં લોકો બેરોજગાર બનતાં બેરોજગારીનો આંક ખૂબ વધી ગયો છે. જેથી લોકોનું જીવન ગુજરાન મુશ્કેલ થઈ ગયું છે. આ વિકટ સમયે નોર્થ અમેરિકા સ્થિત ઈન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટી સપ્તાહના ત્રણ દિવસ 2,500 થી 3,000 ફુડ પાર્સલ જરૂરિયાતમંદ વ્યક્તિ કે સમૂહ સુધી પહોંચાડે છે. પ્રત્યેક સપ્તાહે 12,000 જેટલા ફૂડ પાર્સલ અમેરીકી પ્રશાસનના માધ્યમથી પહોંચે છે. ચાલુ સપ્તાહ સહિત અત્યાર સુધી 40,000 થી વધુ ફૂડ પાર્સલ આ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ અમેરિકન પ્રજાને પહોંચાડાયા છે.
આ અંગે ઈન્ડો-અમેરિકા સોસાયટીના સેક્રેટરી યજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે, માનવતાના આ મહાન કાર્યમાં અમેરિકા સ્થિત ગુજરાતીઓએ પોતાના સંસ્કારોની મહેક પ્રસરાવી છે. જરૂરિયાતમંદ જનસમૂહ માટે છુટા હાથે દાનની સરવાણી વહેવડાવી છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં યંગ વોલન્ટીયર્સ પણ આ ધર્મકાર્યમાં સામેલ થયા છે. જોકે, અમેરિકામાં કોરોનાના વ્યાપક સંક્રમણ અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોને લઈ કોઈ પણ વ્યક્તિ કે સમૂહને હાથો હાથ ફૂડ પાર્સલ આપવાની મનાઈ છે. અમે અમેરિકન પ્રશાસનને આ ફૂડ પાર્સલ તૈયાર કરી પહોંચાડીએ છીએ અને ત્યાંથી અમેરિકન પ્રશાસન યોગ્ય વ્યક્તિ સુધી આ મદદ પહોંચાડે છે.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પરિમલ શાહે જણાવ્યું હતું કે, હજુ આગળ પણ અને કોરોના વોરિયર્સ બની અમેરિકન સરકાર અને અમેરિકન પ્રજાની પીડાના સહભાગીદાર રહીશું. જ્યાં સુધી સેવાની જરૂર પડશે ત્યાં સુધી અને ગુજરાતીઓ અને અમારી સંસ્થા વતી જનસેવાનું ધર્મકાર્ય કરતા રહીશું.