ખેડા: જિલ્લાના વારસંગ ગામે વાત્રક નદીમાં પુર આવતા 15 ઉપરાંત વાનર બાવળના ઝાડ પર ફસાયા હતા. જેને રેસ્ક્યુ કરવા માટે સ્થાનિક ધારાસભ્ય વન વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમ તેમજ સ્થાનિક તરવૈયા સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલ વાનરોનું રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે.
"રાત્રે જાણવા મળ્યું કે વાત્રક નદીમાં વારસંગ ગામે પંદર જેટલા વાનર ફસાયા છે. જે બાબતે વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ સાથે પહોંચી વાનરોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે."-- કલ્પેશ પરમાર ( ધારાસભ્ય )
રેસક્યુની કામગીરી હાથ ધરાઈ: વાત્રક નદીમાં છેલ્લા બે દિવસથી પાણીની સપાટી વધતા નદીની વચ્ચે બાવળના ઝાડ પર રહેલા 15 થી વધુ વાનરો ફસાઈ જવા પામ્યા હતા. ગામના સ્થાનિકો દ્વારા વાનરોને જોતાં તે બાબતે જાણ કરતા ધારાસભ્ય કલ્પેશ પરમાર વન વિભાગ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયા સાથે પહોંચ્યા હતા. જ્યાં છેલ્લા બે દિવસથી વાનરોને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે.
વાનરોને બહાર કાઢવા વિવિધ પ્રયાસો હાથ ધરાયા: આરએફઓ આ બાબતે વાત કરતા આરએફઓ જે.બી.ભાટિયાએ જણાવ્યું હતું કે " અમને ગઈકાલે માહિતી મળી કે વારસંગ ગામે વાત્રક નદીમાં પાણી ઉપરવાસમાંથી આવવાના કારણે બારથી પંદર જેટલા વાનર ફસાયા છે. જેમને બહાર કાઢવા વિવિધ પ્રકારના પ્રયત્નો શરૂ કર્યા છે. જેમાં ફાયર બ્રિગેડની મદદથી બોટ મારફતે દોરડું બાંધવામાં આવ્યું છે. નદીમાં બાવળની ડાળખીઓ નાખી તેનો પુલ બનાવવામાં આવ્યો છે. જેથી વાનરો બહાર આવી શકે. વાનરોને કેળા,સફરજન જેવા ફળ ખોરાક માટે બે વખત પહોંચાડ્યા છે".
બાવળના ડાળખા નાખી પુલ બનાવ્યો: વાનરોને બહાર કાઢવા ફાયર બ્રિગેડની મદદથી બોટ મારફતે દોરડું બાંધવામાં આવ્યું છે. નદીમાં બાવળના ડાળખીઓ નાખી તેનો પુલ બનાવવામાં આવ્યો છે. જેની પરથી વાનરો બહાર નદીના કિનારે આવી શકે. દરમિયાન વાનરોને કેળા,સફરજન સહિતનો ખોરાક સ્થાનિક તરવૈયાઓ મારફતે બે વખત પહોંચાડવામાં આવ્યો હતો. જોકે વિવિધ પ્રયાસો છતાં વન વિભાગને હજી વાનરોને બહાર કાઢવામાં સફળતા મળી શકી નથી. આજે ત્રીજા દિવસે પણ રેસ્કયુ કામગીરી હાલ ચાલી રહી છે.