ખેડા : નડિયાદ-ડાકોર રોડ પર ચલાલી ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ આવતા ડમ્પરે વળાંક પર ડિવાઈડર કુદાવી સામેથી આવતી બાઈકને અડફેટે લઈ 25 ફૂટ સુધી ઢસડી ડમ્પર માઈનોર કેનાલમાં ખાબક્યું હતું. ડમ્પર ચાલકની બેદરકારીના કારણે સર્જાયેલા અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવકોનું કરુણ મોત નીપજ્યું હતું. ચકલાસી પોલીસે ડમ્પરચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. નડીયાદના માઘરોલી ગામના બે યુવાનોના મોત થતા પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ સર્જાયો છે.
ભયાનક અકસ્માત : આ અંગે મળતી વિગત અનુસાર નડિયાદ તાલુકાના માઘરોલી ગામના અક્ષર પટેલ અને હાર્દિક સોલંકી પણસોરા ગયા હતા. ત્યાંથી મોડી રાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ચલાલી નજીક પુરપાટ ઝડપે આવી રહેલું ડમ્પર વળાંક પર ડિવાઈડર કુદાવી સામેથી આવી રહેલી આ બાઈકને અડફેટે લઈ ડમ્પર માઇનોર નહેરમાં ખાબક્યું હતું. અકસ્માતમાં ડમ્પરે બાઈકચાલક અને પાછળ સવાર બંને વ્યક્તિને 25 ફૂટ દૂર ઢસડી કચડી દેતા બંનેના કરૂણ મોત નિપજ્યા હતા.
બે યુવકોના કરુણ મોત : આ ડમ્પરચાલકે વળાંક પર પૂરપાટ ઝડપે આવી કાબુ ગુમાવતા ડમ્પર એકાએક એક ફૂટથી ઊંચું ડિવાઈડર કુદાવી સામેના રોડ પર આવી ગયું હતું. ત્યાં સામેથી આવતા બાઈકને અડફેટે લીધું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે આ ડમ્પરે બાઇકને લગભગ 25 ફૂટ દૂર ઢસડ્યું હતું. અકસ્માત થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. જ્યાં બંને યુવકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. એક યુવકનો મૃતદેહ આ ડમ્પર નીચે દટાયેલો હતો.
પોલીસ કાર્યવાહી : બાદમાં ક્રેન મારફતે કેનાલમાંથી ડમ્પરને બહાર કાઢવામાં આવ્યું અને નીચેથી અક્ષર પટેલનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે એકત્ર થયેલા લોકોએ ડમ્પરચાલકને દબોચી પોલીસને હવાલે કર્યો હતો. ચકલાસી પોલીસ દ્વારા ડમ્પરચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગમખ્વાર અકસ્માતમાં માઘરોલી ગામના બે યુવાનનો તહેવારના સમયે કરૂણ મોત નીપજતા બે પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ સર્જાયો છે.