- ડાકોર નગરપાલિકામાં વહીવટદાર નિમવામાં આવશે
- ડાકોર નગરપાલિકાનું રાજકારણ ગરમાયું
- 7 સભ્યોને સભ્યપદેથી દૂર કરતો ચૂકાદો હાઇકોર્ટે આપ્યો
ખેડાઃ જિલ્લાના ડાકોર નગરપાલિકાની 2018ની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના વ્હીપ વિરૂધ્ધ મતદાન કરનારા 7 સભ્યો ઉપર પક્ષ દ્વારા પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં માર્ચ 2018માં પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહીમાં કોર્ટ દ્વારા 2 સપ્ટેમ્બર 2020ના રોજ ભાજપના 7 સભ્યોને સભ્ય પદેથી દૂર કરતો ચુકાદો આપવામાં આવ્યો હતો. તે દિવસે જ ડાકોર નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી
યોજાઈ હતી. જોકે 2 સપ્ટેમ્બર 2020 ડાકોર પાલિકાના ચૂંટણી અધિકારી પાસે પક્ષાન્તર ધારાની હુકમની કોપી પહોંચી નહોતી. જેથી ગેરલાયક ઠરેલ સભ્યોને ચૂકાદોના મળતા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં તેમના દ્વારા વોટિંગ કરાયું હતું.
ડાકોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશ પટેલ દ્વારા ગત 5મી સપ્ટેમ્બર 2020 પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા રદ કરવા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હતી. જેને લઈ હાઈકોર્ટ દ્વારા 2જી સપ્ટેમ્બર 2020ના રોજ યોજાયેલ ડાકોર પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી વચગાળાના હુકમથી રદ કરી ડાકોર નગરપાલિકામાં વહીવટદારની નિમણૂક કરવા આદેશ કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે કોર્ટે ગેરલાયક ઠરાવેલ ભાજપના 7 સભ્યોએ પક્ષાન્તર ધારા હેઠળ રદ થયેલ સભ્યપદના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો છે અને તે હજુ ન્યાયાધીન છે. ગેરલાયક ઠરેલ ભાજપના 7 સભ્યોએ હાઇકોર્ટમાં કરેલ પિટિશનનો નિર્ણય આવ્યા બાદ ડાકોર નગરપાલિકાની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી અંગેની સ્થિતિ સંપૂર્ણ સ્પષ્ટ થશે.