સુરત: શહેરની મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી સિટીબસ અને BRTSનું સંચાલન વ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે પાલિકાએ નિયમો બનાવ્યા છે. ખાસ કરીને ઓવર સ્પીડ જેવા મુદ્દે જો ડ્રાઇવરની બેદરકારી હોય તો પાલિકા દ્વારા પેનલ્ટી ફટકારવામાં આવે છે. હાલમાં જ બે બસ એજન્સીઓને નિર્ધારિત કરતા વધારે સ્પીડના મુદ્દે 11 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, ઓક્ટોબર મહિનામાં પાલિકાએ વિવિધ ગાઇડલાઈનના ભંગ બદલ બસ એજન્સીઓને રૂપિયા 92 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
સુરત મહાનગરપાલિકા પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર: SMC દ્વારા શરૂ કરવામાં આવેલી સિટી બસ અને BRTS બસથી પ્રતિદિન આશરે અઢી લાખ યાત્રીઓ મુસાફરી કરે છે. શહેરીજનોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી બસ લોકો માટે પરેશાની નહીં બને અને યાત્રીઓને સુવિધાઓ મળી રહે તેને ધ્યાને રાખી પાલિકાએ બસ ડ્રાઇવર, કંડક્ટર અને એજન્સીઓ માટેની માર્ગદર્શિકા બહાર પાડી છે. જે અંતર્ગત રોડ પર બસની ગતિ નક્કી કરવામાં આવી છે. બસની સફાઈ માટે ધારા-ધોરણ નક્કી કરવામાં આવ્યા છે. તેના રૂટ નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ પ્રકારે કેટલાક નિયમ બનાવવામાં આવ્યા છે.
એજન્સીઓને 92 લાખ રૂપિયાનો દંડ: SMC દ્વારાબનાવેલ આ કાયદાનું પાલન નહીં કરવામાં આવે તો એજન્સીને દંડ ફટકારવામાં આવે છે. બે દિવસ પહેલા પાંડેસરા વિસ્તારમાં નિર્ધારિત ગતિથી વધુ સ્પીડથી દોડી રહેલી બે બસ એજન્સીઓને 11 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હાલમાં SMC એ અલગ-અલગ પ્રકારની ગાઈડલાઈનના ભંગ બદલ એજન્સીઓને 92 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જેમાં ઓવર સ્પીડ, મિસ કંડક્ટ, મિસ બસ સ્ટેશન, સાફસફાઈનો અભાવ, બસનો રૂટ બદલવા સહિતના અન્ય કેટલાક કારણોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: