- પડતર માંગણીઓને લઈ આરોગ્ય કર્મચારીઓની હડતાળ
- રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના હોદ્દેદારો સામે નોંધાયેલી પોલીસ ફરિયાદના વિરોધમાં આવેદનપત્ર
- કલેક્ટર તેમજ ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરી
નડીયાદ : ખેડા જિલ્લા સહિત રાજ્યના કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મચારીઓ વિવિધ પડતર માગણીઓને લઈને 12 જાન્યુઆરીથી હડતાલ પર ઉતર્યા છે. પોતાની માંગણીઓને લઈને આ ત્રીજી વખત કર્મચારીઓ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.
કોરોના વોરિયર સાથે રાજ્ય સરકાર દ્વારા અન્યાય અયોગ્ય : કર્મચારીઓ
પડતર માંગણીઓ મુદ્દે કર્મચારીઓએ માંગો સંતોષાય તેવી રજૂઆત સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં કર્મચારીઓએ ફરિયાદ કરી છે કે, જ્યારે સરકાર આરોગ્ય કર્મચારીને કોરોના વોરિયર તરીકે સન્માન આપતી હોય, આરોગ્ય કર્મચારીઓ કોરોના જેવી મહામારીમાં પણ લોકોના ઘરે ઘરે પહોંચી પોતાની પ્રમાણિકતા અને નિષ્ઠાથી કામગીરી કરતા હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા તેઓની સાથે કરવામાં આવી રહેલો અન્યાય અયોગ્ય છે.
રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના હોદ્દેદારો સામે નોંધાયેલી પોલિસ ફરિયાદ રદ્દ કરવાની માંગ
આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે, રાજ્ય સરકારને પડતર માંગણી મુદ્દે વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા માંગ ન સંતોષાતા આરોગ્ય કર્મચારીઓને ત્રીજી વખત આંદોલન કરવાની ફરજ પડી છે. જે માંગ સંતોષવાના બદલે સરકાર દ્વારા કર્મચારીઓના આંદોલનને કચડી નાખવા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ અને ગાંધીનગર આરોગ્ય કર્મચારી મંડળના પ્રધાન પર પોલિસ ફરિયાદ કરવામાં આવી છે તે રદ્દ કરવા રજૂઆત કરી હતી. જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવા સાથે આ કોરોના વોરિયર્સે મહુધાનાં ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ધારાસભ્યએ તેઓની માંગ સરકાર સુધી પહોંચાડવાની ખાત્રી આપી હતી.