ખેડા: આજે સવારથી ખેડા જીલ્લામાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ હતી. નડીયાદ સહિત જીલ્લાના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. નડીયાદ શહેરમાં સતત બે કલાક ઉપરાંત વરસેલા વરસાદને કારણે વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના પૂર્વ અને પશ્ચિમને જોડતાં ચારેય ગરનાળા પણ પાણીમાં ગરકાવ થયા હતા. નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી ચોમાસાના પ્રારંભે જ નિષ્ફળ પુરવાર થઈ હતી.
શહેરના ચારેય ગરનાળા પાણીમાં ગરકાવ: ધોધમાર વરસાદને કારણે નડીયાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા ચારેય ગરનાળા પાણીમાં ગરકાવ થયા હતા. જેને કારણે લોકોની અવરજવર બંધ થઈ જવા પામી હતી. શહેરના વૈશાલી,શ્રેયસ,ખોડીયાર અને માઈ મંદિર ગરનાળા પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા છે.ઉપરાંત શહેરના રબારીવાડ,ગાજીપુર વાડ સહિતના વિવિધ નીચાણવાળા વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી નિષ્ફળ: વરસાદને પગલે નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી જવા પામી છે. ચોમાસાના પ્રારંભે જ નગરપાલિકાની કહેવાતી પ્રિમોન્સૂન કામગીરી નિષ્ફળ પુરવાર થઈ છે. વરસાદને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, ત્યારે નગરપાલિકાએ પ્રિમોન્સૂન કામગીરી કેવી કરી હશે તેને લઈ સવાલો ઉપસ્થિત થયા છે. વર્ષોથી શહેરમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા છે. જે સમસ્યાને નગરપાલિકા આજ દિન સુધી દૂર કરી શકી નથી, ત્યારે દર વર્ષે માત્ર દેખાડા પૂરતી પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવતી હોવાનું નગરજનો માની રહ્યા છે.
વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ: જિલ્લામાં નડીયાદ શહેર તેમજ આસપાસના વિસ્તારો ઉપરાંત મહુધા,ઠાસરા,ગળતેશ્વર સહિત જીલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થવા પામ્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાતા ઉકળાટથી લોકોને રાહત મળી હતી.સારો વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે.