નડિયાદઃ બૃહદ મુંબઇમાંથી સ્વતંત્ર ગુજરાત રાજયની સ્થાપના તારીખ ૧લી મે, ૧૯૬૦ના રોજ થઇ હતી. ત્યારથી આજની તારીખને ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નડિયાદ શ્રી સંતરામ મંદિરના ચોગાનમાં આવેલા સ્વતંત્ર ગુજરાતની ચળવળના પ્રણેતા પ.પૂ.ઇન્દુલાલ યાજ્ઞીકના પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી નમન કરતાં ગુજરાત વિધાનસભાના દંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ગુજરાતની ચળવળમાં ખેડા જિલ્લાનું વિશેષ યોગદાન રહેલું છે. આ ચળવળમાં ખેડા જિલ્લાના અનેક નામી-અનામી શહિદોને આજે હું શત શત વંદન...... તેઓએ ગુજરાતના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણએ શુક્રવારે શ્રી સંતરામ મંદિરના ચોગાનમાં આવેલા ગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞીકની પ્રતિભાને ફુલ-હાર અર્પણ કરી નમન કર્યા હતા અને જણાવ્યું હતું કે, તેઓના કારણે આજે સ્વતંત્ર ગુજરાતના લાભ આપણને સૌને મળી રહ્યા છે.

સ્વતંત્ર ગુજરાતની સ્થાપના થતાં ગુજરાતનો વિકાસ ઝડપી બન્યો છે. તેનો લાભ આજે ૬૦માં ગુજરાત સ્થાપના દિવસે દેખાઇ રહ્યો છે. આપણે સૌએ સંકલ્પ કરી આપણા ગુજરાતને વિશ્વભરમાં નામના મળે અને હજુ તેનો વિકાસ ઝડપી થાય તે રીતે પ્રયત્નો કરવાના છે.
સૌ ગુજરાતીઓને આજે ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા સાંસદ દેવુંસિંહ ચૌહાણએ આપી હતી અને સાપ્રંત પરિસ્થિતિમા સૌએ ગુજરાત અને કેન્દ્ર સરકારની સૂચનાઓનું પાલન કરી તે રીતે વર્તી કોરોના સામેનો જંગ જીતવા જણાવ્યું હતું. તેઓએ સૌ ઉપસ્થિત નાગરિકોને કોરોનાની સામે માનવની રોગપ્રતિકાર શકિત વધે તે માટેની હોમિયોપેથીક દવાનું વિતરણ પણ કર્યું હતું.