ખેડાઃ જિલ્લાના મહુધા તાલુકાના કૈયજ ગામના ખેડૂતોએ મરચાંના ખરીદેલા બિયારણ કરતા અલગ ઉત્પાદન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. કંપની દ્વારા છેતરાએલા ખેડૂતોએ ન્યાય માટે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જે બાદ સ્થળ તપાસ કરવા ગયેલા કંપનીના અધિકારીઓને ખેડૂતો દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો હતો. જે મામલે મહુધાના સ્થાનિક ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારની ઉપસ્થિતિમાં કંપનીના અધિકારી દ્વારા ખેડૂતોને લેખિતમાં વળતર ચૂકવવાની બાંહેધરી આપી હતી. જેથી મામલો થાળે પડ્યો હતો.
મહુધા તાલુકાના કૈયજ સહિતના ગામના ખેડૂતોએ મહુધા એગ્રી બિઝનેસમાંથી પીકાડોર જાતના મરચાંનુ બિયારણ ખરીદી તેનું વાવેતર કર્યું હતું. જેની માવજત કરી ઉછેર્યો હતો પરંતુ 20 દિવસ પછી તેને ફુલ અને એક ફળ આવવાની શરૂઆત થઈ ત્યારે ખેડૂતોને ખબર પડી કે, કંપનીના દર્શાવ્યા ફળ કરતાં આ પાકમાં લાગેલાં ફળ બિલકુલ અલગ પ્રકારના છે. કંપની બિયારણ પીકાડોર પ્રજાતિના દર્શાવેલા છે. ખેતરમાં લાગેલાં ફળ દેશી મરચાની પ્રજાતિના છે. જેને પગલે અનેક ગામોના ખેડૂતોની હાલત કફોડી બની હતી. તે બાબતે ખેડૂતોએ મહુધા એગ્રો બિઝનેસ તેમજ જિલ્લા કલેક્ટરને સામૂહિક રીતે રજૂઆત કરી ખેડૂતોને ન્યાય આપવાની માગણી કરાઇ હતી.
મહુધા એગ્રી બિઝનેસ તરફથી જવાબદાર પ્રતિનિધિએ રૂબરૂ મુલાકાત કરી પાકની તપાસ કરી હતી. તેમાં એમ માલૂમ પડ્યું હતું કે, ખેડૂતોએ મરચાંનું ઉત્પાદન કર્યું હતું તે ફળ બિયારણ કરતાં બિલકુલ અલગ હતું. કંપનીના માણસો મહુધા તાલુકાના કૈયજ ગામે સ્થળ પર તપાસ કરવા આવ્યા હતા, ત્યારે ખેડૂતોએ ભેગા થઈને તેમનો ઘેરાવો કર્યો હતો. જે મામલે મહુધાના સ્થાનિક ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારની ઉપસ્થિતિમાં કંપનીના અધિકારી દ્વારા લેખિતમાં ખેડૂતોને વળતર ચૂકવવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.
મહત્વનું છે કે, સારા વળતરની આશામાં મહુધા તાલુકામાં ખેડૂતો દ્વારા 120 વીઘા જેટલી જમીનમાં પીકાડોર મરચાંના બિયારણનું વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે કંપની દ્વારા ખેડૂતોને નુકશાન પેટે યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.