ખેડા: નડિયાદથી અમદાવાદ તરફ જઈ રહેલી માલગાડીના ડબ્બા મહેમદાવાદ સ્ટેશન પાસે પાટા ઉતરી ગયા હતા. રેલ્વે ટ્રેક પર બિછાવવાના પથ્થર ભરીને 41 ડબ્બાની ટ્રેન જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બનવા પામી હતી. ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ઘટનાની જાણ કરવામાં આવતા અધિકારીઓ સહિતનો ટેકનિકલ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે આ ઘટનાથી રેલ વ્યવહારને કોઈ અસર થવા પામી નહોતી.
તંત્રની લાપરવાહી: સ્થાનિક વર્તુળમાં ચાલી રહેલી ચર્ચા મુજબ લાઈન પર કામ ચાલુ હતું અને કર્મચારીઓ દ્વારા જાણ પણ કરવામાં આવી હતી કે આ લાઈન બરાબર નથી અને તેનું સમારકામ તાત્કાલિક જરૂરી છે. જેની જાણ સ્ટેશન માસ્તરને પણ કરવામાં આવી હતી પરંતુ તે પરત્વે કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. ગંભીર બેદરકારી સામે આવવા પામી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ બનતી અટકાવવા રેલ્વે તંત્ર દ્વારા સમગ્ર મામલે વિસ્તૃત તપાસ કરવી જરૂરી બની છે.
'રેલવેના પાટા પર બિછાવવાના પથ્થર ભરીને 41 ડબ્બાની ટ્રેન અંદાજે 18:35 નો બનાવ છે. સાઈડ લાઇન થતી હતી તે વખતે કોઈ ટેકનિકલ કારણોસર બે ડબા ખડી પડેલા. એ પછી એની પાછળના ડબા પણ પાટા પરથી ઉતારી પડેલ છે. ટ્રેન વ્યવહારને કોઈ નુકસાન નથી થયેલુ કે અન્ય કોઈ જાનહાનિ થયેલ નથી. પોલિસ બંદોબસ્ત છે એ તમામ હાજર છે. અહીંનો જે ટેકનિકલ સ્ટાફ છે રેલવેનો તે પણ કામ ચાલુ છે. ટ્રેન વ્યવહાર તો ચાલુ જ છે લૂપ લાઇન છે તે પણ થોડા સમયમાં રિપેર થઈ જશે.' -જી.એસ.બારિયા, એસડીપીઓ, વડોદરા
લોકોના ટોળેટોળા: ગાડી મેન અપડાઉનવાળી લાઈનમાં ડબ્બા ઉતરી ગયા હોત તો મોટી દુર્ઘટના કે જાનહાની સર્જાઈ હોત. ગાડીના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયાની જાણ થતાની સાથે જ લોકટોળા એકત્રિત થયા હતા. તેમજ રેલવેમાં અધિકારીઓ, સ્ટાફ, કર્મચારીગણ, સૌ કોઈ ઘટના સ્થળે પહોંચીને ગાડીને પાટ પર લેવાની કામગીરી ચાલુ કરી હતી. પરંતુ નીચે સિમેન્ટમાં ગાર્ડ પણ તૂટી ગયા હતા. જમીનમાં દબાઈ ગયા હતા જેને લઈને હાલ આ લાઈનનો વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો હતો.