ખેડા: મહેમદાવાદના વરસોલા ગામમાં પ્રાથમિક શાળા પાસે દર્શ ફાર્મા કંપનીની ફેક્ટરી આવેલી છે. સોમવારે બપોરના સમયે આ ફેક્ટરીનો ઝેરી ધુમાડો હવામાં પ્રસરતા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના બાળકોને અસર થઇ હતી. આ ધુમાડાને કારણે વરસોલા પ્રાથમિક શાળાના 3 બાળકોને ઉલ્ટીઓ થવા લાગી હતી. જેથી બાળકોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાને લઇને ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. ગ્રામલોકોએ આક્ષેપ કર્યો હતો કે, દર્શ ફાર્મા કંપનીમાંથી ઝેરી કેમિકલનો ધુમાડો ચીમનીના મારફતે છોડવામાં આવે છે. જેથી ગ્રામલોકોઓ ફેક્ટરી બંધ કરવા માટે સરપંચને રજૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગ્રામજનો દ્વારા અગાઉ પણ ઘણી વખત ફેક્ટરી બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ પ્રકારના પગલાં લેવામાં આવ્યાં નથી. જેથી ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ હતી.