ખેડાઃ કપડવંજમાં નકલી ખાદ્ય તેલ બનાવતી બે ઓઈલ મિલ પર પોલીસે રેડ કરી હતી. આ રેડમાં પોલીસે ફૂડ એન્ડ ડ્રગ તેમજ એફએસએલ ડિપાર્ટમેન્ટને પણ સાથે રાખ્યું હતું. પોલીસે ખાદ્ય તેલના નમૂના ઉપરાંત અનેક બ્રાન્ડના તેલના સ્ટિકર્સ જેવી સામગ્રી કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ઘટનાક્રમઃ બે ઓઈલ મિલમાં નકલી ખાદ્ય તેલ બનતું હોવાની અરજી કપડવંજ પોલીસને મળી હતી. અરજીમાં મહેશ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ અને હીર ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ નકલી ખાદ્ય તેલના પ્રોડક્શન અને પેકિંગની ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ફૂડ એન્ડ ડ્રગ તેમજ એફએસએલ ડીપાર્ટમેન્ટને સાથે રાખીને આ રેડ પાડી. પોલીસે બે અલગ અલગ ટીમો બનાવી. આ બંને ટીમો પંચો સાથે બે અલગ અલગ સ્થળો પર ત્રાટકી હતી. પોલીસે શંકાસ્પદ તેલના નમૂના લીધા હતા. નમૂનાને રિપોર્ટ માટે એફએસએલની લેબમાં મોકલી અપાયા હતા. રિપોર્ટ બાદ પોલીસ આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરશે.
જપ્ત કરેલ મુદ્દામાલઃ પોલીસને બંને સ્થળોએથી અલગ અલગ બ્રાન્ડના સ્ટિકર મળી આવ્યા હતા. આ ઉપરાંત હીર ઓઈલ ઈન્ડસ્ટ્રીઝમાંથી 20 અલગ અલગ માર્કાવાળા તેલના પેકિંગ ડબા, બોટલો અને ટીન મળી આવ્યા હતા. પોલીસે આ મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નકલી ખાદ્ય પદાર્થોનું હબ એટલે ખેડાઃ આ જિલ્લો હવે નકલી ખાદ્ય પદાર્થો બનાવવાનું હબ બનતો જાય છે. અવારનવાર આ જિલ્લામાંથી નકલી ખાદ્ય પદાર્થો ઝડપાય છે. જેમાં નકલી હળદર, મરચું, ઘી અને હવે નકલી તેલ પણ પકડાયું છે. આ ઉપરાંત સમગ્ર રાજયમાં ચકચારી એવી નકલી નશીલી આયુર્વેદિક સિરપની ફેક્ટરી પણ તાજેતરમાં ઝડપાઈ છે. આવામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની બેદરકારી સામે આવી છે.