- વડતાલના સંતોના હસ્તે ગરમ ધાબળાનું વિતરણ
- 1000 ઉપરાંત ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું
- ફૂટપાથ પર સુતા વ્યક્તિઓ,દિવ્યાંગો સહિતના જરૂરિયાતમંદોને વિતરણ
ખેડા : સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સંસ્થાન દ્વારા ધાર્મિક કાર્યક્રમોની સાથે જનહિતની સેવાકીય પ્રવૃત્તિઓને પણ શિક્ષાપત્રીના નિયમો મુજબ પ્રાધાન્ય આપવામાં આવે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં ઠુંઠવાતા જરૂરીયાતમંદો, ફુટપાથ ઉપર સુતેલા દરીદ્ર નારાયણો, વિવિધ સંસ્થાઓ તથા દિવ્યાંગ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શેઠ ઘનશ્યામભાઈ શીવાભાઈ પટેલ ખાંધલીવાળાના સૌજન્યથી 1000 ઉપરાંત ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિવિધ સંસ્થાઓમાં પણ ધાબળા વિતરણ કરાયા
જેમાં નડિયાદની સંતરામ કન્યા છાત્રાલય, હિન્દુ અનાથઆશ્રમ,પીજ જલારામ વૃધ્ધાશ્રમ,પેટલાદ લક્કડપુરા બી.આઇ.પટેલ અને કુ.પાયલ પટેલ વૃધ્ધાશ્રમ, કરમસદ જલારામબાપા વિસામો, આણંદ જાગૃત્ત મહિલા સંગઠન જેવી સંસ્થાઓમાં ધાબળા વિતરિત કરાયા હતા.આ ઉપરાંત આણંદ,વડોદરા અને પેટલાદની ફુટપાથો ઉપર ખુલ્લામાં આશ્રય લેતા નિરાધાર દરીદ્રનારાયણોને 700 ઉપરાંત ગરમ ધાબળા ઓઢાડી હુંફ પુરી પાડી હતી.
મૈત્રી સંસ્થાના 65થી વધુ બાળકોને ગરમ ધાબળા વિતરણ કરાયા
વડતાલ મંદિર દ્વારા નડિયાદ પીજભાગોળમાં આવેલ મૈત્રી સંસ્થાના 65થી વધુ બાળકોને ગરમ ધાબળા ડૉ.સંતસ્વામી, શ્યામસ્વામી, વડતાલ મંદિરના ટ્રસ્ટી પાર્ષદ ઘનશ્યામ ભગત તેમજ સ્વયંસેવકો દ્વારા વિતરણ કરવામાં આવ્યા હતા. આ તમામ વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામીએ સંભાળી હતી.