- સેક્સ વર્કરોને રાશન કીટનું વિતરણ
- “અન્નપૂર્ણા પ્રોજેક્ટ" અંતર્ગત યોજાયો કાર્યક્રમ
- જિલ્લા ન્યાયાલય સેક્સ વર્કરોને સહાયરૂપ થવા કટીબદ્
ખેડાઃ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રિમ કોર્ટ, ન્યુ દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડિયાદ દ્વારા ખેડા જિલ્લા ખાતે કાર્યરત અને રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ સંસ્થા ખાતે નોંધાયેલા હોય તેવા સેક્સ વર્કરો કે જેઓ કોરોના મહામારીના વિકટ સંજોગો અને પરિસ્થિતિમાં તમામ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેઓને સહાયરૂપ થવાના હેતુસર રોટરી ક્લબ નડિયાદનાં “અન્નપૂર્ણા પ્રોજેક્ટ” અંતર્ગત ”GAP” સંસ્થાના સહકારથી “રાશન કીટ” વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ-117 જેટલા સેક્સ વર્કરોને “રાશન કીટ”નું વિતરણ કરવામાં આવ્યું હતું.
સેક્સ વર્કરોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું
આ કાર્યક્રમમાં “રાશન કીટ”નું વિતરણ કરતા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એલ એસ. પીરઝાદાએ સેક્સ વર્કરોને આશ્વાસન વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, આ “રાશન કીટ” દ્વારા તેઓને અને તેઓના પરિવારજનોને ઉપયોગી થશે. વધુમાં મફત અને સક્ષમ કાનૂની સલાહ-સહાય વિષે માહિતી આપતાં જણાવ્યું કે, સામાન્ય વર્ગનાં રૂ.એક લાખથી ઓછી આવક ધરાવતા વ્યક્તિઓ, બાળકો, મહિલાઓ, અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિના લોકો, સિનીયર સીટીઝન, ભૂકંપ, રેલ કે દુકાળ-અતિ વૃષ્ટિ જેવી કુદરતી આપત્તિનો ભોગ બનેલા લોકો અને જેલમાં રહેલા કેદીઓ તથા વિશેષ દિવ્યાંગ બાળકો-વ્યક્તિઓને તથા આજના સંદર્ભમાં “સેક્સ વર્કરોને” આ સુવિધા હેઠળ મફત અને સક્ષમ કાનૂની સલાહ-સહાય તથા જરૂરી કિસ્સામાં નિઃશુલ્ક ધોરણે વકીલ પણ ફાળવી આપવામાં આવે છે. આ અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય સેક્સ વર્કરોને સહાયરૂપ થવા હંમેશા કટીબદ્ધ છે.
સેક્સ વર્કરો સમાજનો જ એક હિસ્સો
આ કાર્યક્રમમાં અધિક જિલ્લા ન્યાયાધીશ એસ ડી. સુથારે સેક્સ વર્કરોને “રાશન કીટ” વિતરણ કરતા જણાવ્યું કે, સેક્સ વર્કરો પણ આપણા સમાજનો જ એક હિસ્સો છે, તેથી જ તેઓને આરોગ્ય, શિક્ષણ, રહેણી-કરણી અને જીવનનિર્વાહ વગેરે માટેની જવાબદારી જે રીતે સરકારની છે, તે જ રીતે આપણાં સમાજની પણ છે.
આ કાર્યક્રમનું સમગ્ર આયોજન સંચાલન-વ્યવસ્થા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડિયાદના ફૂલ ટાઈમ સેક્રેટરી આર.એલ.ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં રોટરી ક્લબના પ્રમુખ મનોજ દેસાઈ, “અન્નપૂર્ણા પ્રોજેક્ટ”ના ચેરમેન પરેશ રાવ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડિયાદના કર્મચારીગણ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.