પોલીસની સાથે જ બંદોબસ્તમાં ખડેપગે રહી ફરજ નિભાવતા આ ગ્રામ રક્ષક દળના જવાનો છેલ્લા ઘણા સમયથી વિવિધ સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. તેમ છતાં પોલીસ સાથે કામગીરી બજાવતા હોઈ પોતાની વિવિધ મુશ્કેલીઓ અંગે રજૂઆત કરવામાં પણ ખચકાટ અનુભવી રહ્યા છે. જેને લઈ રવિવારે મહુધા તાલુકાના સાસ્તાપુર ખાતે તાલુકાના ગ્રામ રક્ષક દળના જવાનોએ એકત્ર થઈ પોતાની પૂરતુ અને સમાન મહેનતાણું, વીમો,ઓળખપત્ર જેવી માંગણીઓને લઈને ચર્ચા વિચારણા કરી હતી.
એકસમાન કામગીરી હોવા છતા હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના જવાનોને ચૂકવવામાં આવતા વેતનમાં પણ ઘણો ફરક જોવા મળે છે. હોમગાર્ડને ચૂકવવામાં આવતા વેતનથી ઓછુ વેતન ગ્રામ રક્ષક દળના જવાનોને ચૂકવાય છે. તે પણ 30 દિવસની હાજરી સામે 27 દિવસનુ વેતન ચૂકવાય છે. આ ઉપરાંત જોખમી કામગીરી હોવા છતાં વીમાનું રક્ષણ મળતુ નથી તેમજ ઓળખપત્ર પણ આપવામાં આવતુ નથી. અગાઉ ઓળખપત્ર આપવામાં આવતા હતા,પરંતુ તે છેલ્લા ઘણા સમયથી આપવામાં આવ્યા નથી.ત્યારે આ વિવિધ મુશ્કેલી અને માંગણીઓ અંગે રજૂઆત કરવા વિચારણા માટે મહુધા તાલુકાના ગ્રામ રક્ષક દળના જવાનો દ્વારા મિટિંગ યોજવામાં આવી હતી.