મહેમદાવાદ તાલુકાના સુંઢા વણસોલ ગામમાં આવેલ સંતોકપુરા વિસ્તારમાં રસ્તાના અભાવથી લોકોને કાદવ કીચડ ખૂંદીને પસાર થવું પડે છે. આ વિસ્તારમાં લગભગ 100થી વધારે પરિવાર વસવાટ કરે છે. અહીંયાથી ગામમાં જવાનો 2 કિલોમીટરનો રસ્તો તદ્દન કાચો છે, 100થી વધારે બાળકો ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. શાળાના વિદ્યાર્થીઓ સહીત લોકોને બે કિલોમીટર સુધી કીચડમાંથી પસાર થવું પડે છે.
જો કોઈ ચોમાસા દરમિયાન બીમાર થાય કે પ્રસૂતાનો કેસ હોય તો ખાટલામાં નાખીને ગામ સુધી લઇ જવા પડે છે. ગામમાં ચોમાસા દરમ્યાન કોઈ મૃત્યુ પામે તો બે કિલોમીટર સુધી કીચડમાં ખુંપેલા પગે સ્મશાનયાત્રા કાઢવી પડે છે. રોડના અભાવે ગ્રામજનોને 108 તેમજ વાહન વ્યવહારની સુવિધાનો લાભ પણ મળતો નથી. આ વિસ્તારના લોકો દ્વારા આ રસ્તા બાબતે અનેક વખત લેખિતમાં રજૂઆતો કરાઈ છે. છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે વહેલી તકે રોડ બનાવાઈ તેવી માગ ગ્રામજનો ઉઠાવી રહ્યા છે.