- ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો બંધ
- ડાકોરના ઠાકોરના દરવાજા ભાવિકો માટે ત્રણ દિવસ બંધ
- પદયાત્રીઓથી ઉભરાતા માર્ગો બન્યા સુમસામ
- રાજધિરાજના ઓનલાઈન દર્શન કરી શકાશે
ખેડા: શનિવારથી ત્રણ દિવસ માટે ડાકોરમાં રણછોડરાયજી મંદિર બંધ રાખવામાં આવ્યું છે. બંધ બારણે સેવકો દ્વારા નિયમ મુજબ ભગવાન રણછોડરાયજીની પૂજા વિધિ કરવામાં આવશે. મંદિર તેમજ ફાગણી પૂનમનો મેળો બંધ હોવાથી મંદિર ટ્રસ્ટ તેમજ વહીવટી તંત્ર દ્વારા યાત્રિકોની સલામતી માટે યાત્રિકોને ડાકોર નહીં પહોંચવા અપીલ કરાઇ છે. જોકે ડાકોરના ઠાકોરના બંધ દરવાજે પણ કેટલાક ભાવિકો શીશ નમાવતા જોવા મળી રહ્યા છે. મંદિર બહારથી જ રણછોડરાયજીને પ્રસાદી અર્પણ કરી ધજાના દર્શન કરી ભાવિકો પરત ફરી રહ્યા છે.
વેપારીઓમાં પણ નિરાશા ફેલાઈ
મંદિર અને મેળો બંધ રહેતા ડાકોરમાં માર્ગો અને બજારો સૂમસામ જોવા મળી રહ્યા છે. બજારોમાં દુકાનો તો ખુલ્લી જોવા મળી રહી છે પણ યાત્રાધામના વ્યાપાર ધંધા મંદિર આધારિત હોવાથી મંદિર બંધ થતા કોઇ ગ્રાહક જોવા મળતા નથી. જેને લઇ વેપારીઓમાં પણ નિરાશા જોવા મળી રહી છે.
આ પણ વાંચો: ભગવાનની હાજરીમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
ડાકોરમાં ફાગણી પૂનમનું વિશેષ મહત્વ
યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે. ફાગણી પૂનમે યોજાતા ત્રિદિવસીય હોળી મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ડાકોર આવતા હોય છે. ડાકોરને જોડતા માર્ગો પદયાત્રીઓથી અને સેવા કેમ્પોથી ધમધમતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને પગલે ફાગણી પૂનમનો મેળો બંધ રાખવામાં આવ્યો છે.
પદયાત્રીઓથી ઉભરાતા માર્ગો બન્યા સુમસામ
મંદિર અને દર્શન બંધ રહતા પ્રતિવર્ષ લાખો પદયાત્રીઓ અને સેવા કેમ્પોથી ધમધમતા રસ્તાઓ સૂમસામ બન્યા છે. પૂનમે ડાકોર પહોંચી દર્શન ન કરી શકતા ભાવિકો નિરાશા અનુભવી રહ્યા છે સાથે જ સેવા કરવાનો લ્હાવો ન મળી શકતા સેવા કેમ્પોના આયોજકોમાં પણ નિરાશા ફેલાવા પામી છે. જોકે સુમસામ રસ્તાઓ પર ક્યાંક એકલ-દોકલ પદયાત્રી ડાકોર જતાં જોવા મળી રહ્યા છે. જે ડાકોર જઇ ડાકોરના ઠાકોરના બંધ દરવાજે શીશ નમાવી ધજાના દર્શન કરી પરત ફરશે તેમ જણાવી રહ્યા છે.
આ પણ વાંચો: આજથી ધનુર્માસનો પ્રારંભ, ડાકોરમાં મંગળા આરતીના સમયમાં ફેરફાર
ભાવિકો ઓનલાઈન દર્શન કરી શકશે
ત્રણ દિવસ ભાવિકો માટે મંદિર બંધ રહેશે, પરંતુ ભાવિકો રણછોડરાયજીના દર્શન ઓનલાઇન કરી શકશે તેમજ રાજાધિરાજના દર્શન માટે મંદિર ટ્રસ્ટ દ્વારા યુ-ટ્યુબ પર પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
સંક્રમણ વધે નહીં તે માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો :મેનેજર
ડાકોર ટેમ્પલ ટ્રસ્ટના મેનેજર અરવિંદભાઈ મહેતાએ ETV ભારત સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ફાગણી પૂનમે રાજ્યભરમાંથી અને પાડોશી રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ દર્શન માટે આવતા હોય છે, ત્યારે કોરોના સંક્રમણ વધે નહીં તેને લઈ વહીવટ તંત્ર અને મંદિર મેનેજમેન્ટ દ્વારા 27થી 29 તારીખ ત્રણ દિવસ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જો કે બંધ બારણે નિયમ મુજબ રણછોડરાયજીની સેવા પૂજા ચાલુ રહેશે.