ખેડા: વિધર્મી યુવાનની પ્રેમજાળમાં ફસાયેલી ડાકોર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીની યુવાન પુત્રીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રેમ સંબંધની વાસ્તવિકતા સમજાતા યુવતીએ મુસ્લિમ યુવાન સાથે પ્રેમ સંબંધ તોડી નાંખતા યુવાન દ્વારા તેને માનસિક ત્રાસ આપી અવારનવાર ધમકીઓ આપી પરેશાન કરવામાં આવતી હતી. જેને લઇ ઘરે એકલી હોઈ યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક યુવતીના પિતાની ફરિયાદના આધારે મરવા મજબૂર કરવા બાબતે યુવાન વિરૂદ્ધ ફરિયાદ નોંધી ડાકોર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
માતાપિતા બહાર ગયા હોઈ ઘરે એકલી યુવતીએ આપઘાત કર્યો: પ્રેમ સંબંધમાં હત્યા કરવાના તેમજ મરવા મજબૂર કરવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવો જ વધુ એક કિસ્સો ખેડા જીલ્લામાં બનવા પામ્યો છે. જેમાં પોલિસ કર્મીની યુવાન પુત્રીને પ્રેમ સંબંધમાં ફસાવી વિધર્મી યુવાને હેરાન પરેશાન કરી મરવા મજબૂર કરી હતી. યુવકથી ત્રસ્ત યુવતીએ અંતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. ડાકોર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા રણજીતસિંહ બારૈયાની યુવાન પુત્રી જાગૃતિ નડિયાદ ખાતે આવેલી દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી. પરિવારજનો લગ્ન પ્રસંગ હોવાથી મહીસાગર જીલ્લામાં આવેલા વતન ગયા હતા, ત્યારે ઘરે ગળે ફાંસો ખાઈ જાગૃતિએ આપઘાત કરી લીધો હતો.
આપઘાતના કારણ બાબતે તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી: માતા-પિતા બહાર ગયા હોઈ ઘરે એકલી રહેલી યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા યુવતીના માતા-પિતા ઘરે દોડી આવ્યા હતા. જ્યાં તેમણે યુવતીએ કયા કારણસર આપઘાત કર્યો તે બાબતે તપાસ કરી હતી. જેમાં યુવતીનો મોબાઇલ ફોન મળી આવતા યુવતીના મોબાઇલથી અબ્દુલ્લા મોમીન નામના યુવાન સાથે રેગ્યુલર વાતચીત થતી હોવાનું બહાર આવ્યું હતું. મોબાઈલમાં રહેલા કોલ રેકોર્ડિંગ તપાસ કરતા યુવાન દ્વારા તેને ત્રાસ આપવામાં આવતો હોવાનું ખુલ્યુ હતું.
યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાંખતા યુવાન હેરાન કરતો હતો: મૃતક યુવતીને ચાંગા ગામના મુસ્લિમ યુવાન અબ્દુલ્લા મોમીન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે બાદ પ્રેમ સંબંધની વાસ્તવિકતા સમજાતા તેણે પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. જેને લઈ અબ્દુલ્લા મોમીન દ્વારા યુવતી અન્ય સાથે પ્રેમ સંબંધ ધરાવે છે તેમ જણાવી અવારનવાર હેરાન પરેશાન કરી ત્રાસ આપી ધમકીઓ આપવામાં આવતી હતી. યુવતીને સતત આપવામાં આવી રહેલા ત્રાસ તેમજ ધમકીને પગલે તેણી માનસિક રીતે પડી ભાગી હતી.
કોલ રેકોર્ડિંગ પરથી યુવાન પરેશાન કરતો હોવાનું સ્પષ્ટ થયું: સમગ્ર મામલે યુવતીના મોબાઈલ ફોનમાંથી મળી આવેલા કોલ રેકોર્ડિંગ પરથી યુવાન પરેશાન કરતો હોવાનું સ્પષ્ટ થયું હતું.યુવતીના પિતાને કોલ રેકોર્ડિંગમાં યુવાન હેરાન કરી ધમકી આપતો હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત મરી જવા બાબતે યુવતીને ઉશ્કેરણી કરતો હોવાનું પણ બહાર આવ્યું હતું.જે બાબતે યુવતીના પિતાએ યુવક વિરૂદ્ધ મરવા મજબૂર કરવા બાબતની ફરિયાદ ડાકોર પોલિસ સ્ટેશને નોંધાવી છે.જે મામલે ડાકોર પોલિસ દ્વારા યુવાન વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.