ખેડાઃ હાલની વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. આ મહામારીને ભારતમાં અટકાવવાના અથાગ પ્રયત્નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર કરી રહી છે. ત્યારે ભગીરથ કામમાં પ્રજાજનોનો પણ યથાયોગ્ય સાથ સહકાર સાંપડી રહ્યો છે. ભારતભરના તમામ દાતાઓ, મોટી હસ્તીઓ, સેવાભાવી સંસ્થાઓ, બેંકો, ખાનગી કંપનીઓ, સરકારી સાહસો વગેરે પણ ઉદાર હાથે દાન આપી રહ્યા છે.
નડિયાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્યદંડક પંકજભાઇ દેસાઇ દ્વારા નિયમિતપણે સવાર-સાંજ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની મુલાકાત લઈ જરુરિયાતમંદોની જરૂરિયાત પૂરી પાડે છે .તેઓને ધ્યાને આવેલ કે નડિયાદ સિવિલ હોસ્પિટલને વેન્ટિલેટરની ખાસ જરૂરિયાત છે. જેથી તેઓએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી આરોગ્યલક્ષી સેવામાં વેન્ટિલેટર પ્રાપ્ત થાય તે માટે પ્રયત્ન કરેલ હતા.
જેની ફળશ્રુતિ રૂપે આજે નડિયાદની સિવિલ હોસ્પિટલને દાતા તરફથી અદ્યતન પોર્ટેબલ વેન્ટિલેટર મશીન પ્રાપ્ત થયેલ છે. જેને સરકાર વતી જિલ્લા કલેક્ટરે સ્વીકાર્યું હતું અને સરકાર વતી દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.