ખેડા લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ સામે કોંગ્રેસના ઉમેદવાર અને કપડવંજના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ વાહન વ્યવહાર પ્રધાન બિમલ શાહ ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના ઉમેદવાર દ્વારા ઉમેદવારી નોંધાવ્યા બાદ તુરંત જ ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. જયારે આંતરીક વિખવાદને લઈને કોંગ્રેસ સમયસર પ્રચાર કાર્ય શરૂ કરી શકી નહોતી. બિમલ શાહનું ઉમેદવાર તરીકે નામ જાહેર થતાની સાથે જ જીલ્લા કોંગ્રેસમાં ભડકો થયો હતો. જેને લઇ બિમલ શાહનો વિરોધ નોંધાવી કપડવંજના ધારાસભ્ય તેમજ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સહીત અનેક આગેવાનો અને કાર્યકરોએ રાજીનામાં આપ્યા હતા. જેને પ્રદેશ નેતાગીરીની સમજાવટ બાદ અંતે રાજીનામાં પરત ખેંચી લેતા કોંગ્રેસનું ગૂંચવાયેલું કોકડું ઉકેલાયું હતું.
જે બાદ હાલમાં કપડવંજ તેમજ કઠલાલ ખાતે કાર્યાલયનો પ્રારંભ કરવા સાથે કોંગ્રેસ દ્વારા પ્રચાર તેમજ જનસંપર્કની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં જીતના વિશ્વાસ સાથે કાર્યકરો પ્રચાર કાર્યમાં જોડાયા હતા. કાર્યાલયના પ્રારંભ પ્રસંગે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ, ધારાસભ્ય સહીત મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.