નડિયાદઃ સમગ્ર રાજ્યમાં શુક્રવારથી બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલની જાહેરાત બાદ શહેર સહિત ખેડા જિલ્લાની તમામ રાષ્ટ્રીય બેન્કના કર્મચારીઓ હડતાલમાં જોડાતા જિલ્લામાં બેન્કિંગ વ્યવહાર ખોરવાયો છે. યોગ્ય નિરાકરણના અભાવે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. જેને લઇને 31 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રવ્યાપી હડતાલમાં નડિયાદ ખાતે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા શાખા આગળ વિવિધ બેન્કના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જ્યાં વિવિધ માગણીઓ સંદર્ભે સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
બજેટના એક દિવસ પહેલા રાષ્ટ્રીયકૃત બેન્ક કર્મચારીઓ હડતાલ પર ઉતરતા જિલ્લામાં બેન્કિંગનું કામકાજ ખોરવાયું છે. રાષ્ટ્રીયકૃત બેન્ક કર્મચારીઓની 20 ટકા પગાર વધારો, પાંચ દિવસનું અઠવાડિયું, સ્પેશિયલ એલાઉન્સને મુળ પગારમાં ભેળવી દેવું, જૂની પેન્શન યોજના ચાલુ રાખવી, પેન્શન અપડેશન, ફેમિલી પેન્શનમાં સુધારો, સમાન કામ માટે સમાન વેતન, ઓપરેટિંગ પ્રોફીટના આધારે સ્ટાફ વેલ્ફેર ફંડની ફાળવણી, નિવૃતિ વખતે કરવેરામાંથી મુક્તિ સહિતની વિવિધ માંગણીઓને લઇને રાષ્ટ્રવ્યાપી હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે.