- નકલી પોલીસ બની માસ્ક બાબતે યુવકો ઉઘરાણી કરતા હતા
- એક યુવક ઝડપાયો,એક ફરાર
- કપડવંજ ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી
ખેડા: જીલ્લાના કપડવંજના તોરણા ગામમાં નકલી પોલીસ બનીને બે યુવકો માસ્ક બાબતે ઉઘરાણી કરતા હતા.જેમાંથી એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે અન્ય એક યુવક ફરાર થયો હતો. જે બાબતે કપડવંજ ગ્રામ્ય પોલીસે બંને યુવકો વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
નકલી પોલીસ બની માસ્ક બાબતે કરતા હતા ઉઘરાણી
કપડવંજ તાલુકાના તોરણા ગામમાં રહેતા મયુદ્દીન ગુલામહુસેન બેલીમ પોતાની સીએનજી રીક્ષા લઇ કપડવંજથી પોતાના ગામ તોરણા જઈ રહ્યા હતા. તે દરમિયાન તોરણા ગામની હાઇસ્કુલ પાસે બે અજાણ્યા યુવકો બાઇક લઇને પોલીસના વેશમાં ઉભા હતા. તેમણે રીક્ષા ઉભી રખાવી માસ્ક બાબતે પૂછપરછ કરતાં રીક્ષા ચાલકને બંને યુવકો પર શંકા જતા તેઓની પૂછપરછ કરી હતી. જેમાંથી એક યુવક તે સ્થળ પરથી બાઇક લઇને નાસી છુટ્યો હતો. જ્યારે બીજા યુવકને પકડી કપડવંજ રૂરલ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.
કપડવંજ ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી
કપડવંજ ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી નકલી પોલીસને દબોચી લઈ પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યો હતો. જેમાં બંને યુવકો માસ્ક બાબતે લોકોને ધમકાવી રૂપિયા ઉઘરાવતા હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈ પોલીસે અમદાવાદના સિંગરવામાં રહેતા(મુળ-દંતાલી) મનુભાઈ મોહનભાઈ સોલંકી ઝડપાઈ ગયો હતો, જ્યારે અમદાવાદના સિંગરવામાં રહેતા પપ્પુ જાદવ ફરાર થઈ ગયો હતો. આ બંને યુવકો વિરૂદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.