ખેડાઃ તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તથા ખેતીવાડી વિભાગની નવી યોજનાઓથી ખેડૂતોને માર્ગદર્શિત કરવા તથા સુમાહિતગાર કરવાનો પ્રારંભ સમગ્ર રાજયમાં આજથી થયો છે. તેના ભાગરૂપે આજે નડિયાદ ખાતે ખેડા જિલ્લાના ખેડૂત મિત્રો માટે કાર્યક્રમ યોજાયો હતો.
રાજય સરકારે જાહેર કરેલી ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લેવા ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે ખેડૂતમિત્રોને અનુરોધ કર્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમજાવતા તેમણે કહ્યું કે, ખેડૂતમિત્રોની સાથે સીધો સંવાદ કરી શકાય અને રાજય સરકારે જાહેર કરેલી આ યોજનાઓથી સુમાહિતગાર કરવા માટે તાલુકાઓના ખેડૂતમિત્રોને પ્રત્યક્ષ રીતે જાગૃત કરવાનો હેતુ છે. જેથી વધુમાં વધુ ખેડૂતમિત્રો યોજનાઓનો લાભ લઇ શકે.
આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પ્રત્યેક નાગરિકની ચિંતા કરી રહી છે, ત્યારે રાજયમાં લોકડાઉનની પરિસ્થિતિને લઇ અનલોકની પરિસ્થિતિ દરમ્યાન છેવાડાના માણસ સુધી ભોજન, આરોગ્ય અને આર્થિક બાબતો અંગે સુવિધા ઉપલબ્ધ કરાવવા સરકાર પ્રતિબધ્ધ છે અને ખેડૂતોની ચિંતા રાજય સરકારે કરી ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓનો સીધો લાભ આપવા આ કાર્યક્રમ યોજાયો છે ત્યારે તેનો મહત્તમ લાભ લઇ સમૃધ્ધિના દ્ધારા ખોલીએ તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત આજથી આરંભાયેલી યોજનામાં કુદરતી આફત જેવી કે અતિવૃષ્ટિ,અનાવૃષ્ટિ, વાદળ ફાટવું કે કમોસમી વરસાદ (માવઠું) જેવી પરિસ્થિતિમાં ખેડૂતમિત્રોને કોઇપણ પ્રિમિયમ કે ફી ભરવાની રહેશે નહીં, પાકનું નુકશાન થાય તેવા સમયનો 30 ટકાથી 60 ટકા સુધીનું નુકસાન થયું હશે તો રૂ.20 હજારની સહાય મળશે અને જો 60 ટકાથી વધુ નુકસાન થયું હશે તો રૂ 25 હજાર સુધીની સહાય રાજય સરકાર આપશે. આ યોજના ખરીફ ઋતુ માટે અમલી રહેશે અને આ યોજનાનો લાભ વધુમાં વધુ 4 હેક્ટર સુધીમાં મળવા પાત્ર થશે.
ખેડૂતોને આત્મનિર્ભર બનવા માટે ગુજરાત સરકાર દ્વારા નવી 4 યોજનાઓ અમલમાં મૂકી છે. જેમાં (1) પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) (2) કિસાન પરિવહન (3) સ્માર્ટ હેન્ડલ ટુલ કીટ અને (4) કોમ્યુનિટી બેઇઝ ભૂગર્ભ પાણીની ટાંકી આ યોજનાઓના લાભ લેવા માટે લાભાર્થીઓએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.
ખેડા જિલ્લાના ત્રણ તાલુકા મહુધા, મહેમદાવાદ અને નડિયાદના ખેડૂત મિત્રો માટે યોજાયેલા આ કાર્યક્રમમાં ખેતીવાડી સમિતિના ચેરમેન દિનેશભાઇ પરમાર, જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, જિલ્લા પંચાયતના સભ્યો, અધિકારીઓ તથા ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યાં હતા.