ખેડા: ગળતેશ્વર તાલુકાના કાંઠડી ગામમાં આવેલી જિલ્લા પંચાયત સંચાલિત આંગણવાડીની કાર્યકર બહેનનું મૃત્યુ થતા જગ્યા ખાલી પડી હતી. નવા કાર્યકર બહેનની નિમણૂક કરવાની હોઈ ગામની સ્થાનિક,અનુભવી મહિલાએ ઉમેદવારી નોંધાવી હતી. આ સાથે અન્ય મહિલા ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી હતી. જેથી જિલ્લા પંચાયત દ્વારા કાંઠડી ગામની પાસે આવેલી બૈડપ ગામની મહિલાને આંગણવાડીમાં નોકરી પર રાખી લીધા હતા.આંગણવાડીમાં સ્થાનિક મહિલાની નિમણૂક નહીં થતા સમગ્ર મુદ્દે ગામમાં વિવાદ થયો હતો.
સ્થાનિકોએ ફરિયાદ કરી હતી કે, આંગણવાડીમાં જો સ્થાનિક મહિલા કાર્યકર હોય તો તે યોગ્ય રીતે કામગીરી કરી શકે છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર મેરીટ લિસ્ટને ધ્યાન પર રાખી અન્ય મહિલાની નિમણૂક કર્યાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. બૈડપની મહિલા ઉમેદવારના મેરીટમાં 24 માર્કસ છે,જ્યારે કાંઠડીની મહિલા ઉમેદવારના 24 છે. જોકે બીજી તરફ સ્થાનિક મહિલા ઉમેદવારને 11 માસનો આંગણવાડીમાં સેવા આપવાનો અનુભવ પણ છે. જેને ધ્યાન પર લેતા સ્થાનિક ઉમેદવારની પસંદગી કરવામાં આવે તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે.
અગાઉ આ મુદ્દે સ્થાનિકો દ્વારા તંત્રનું ધ્યાન દોરવા છતા યોગ્ય કાર્યવાહી નહીં થતા ગ્રામજનોએ આંગણવાડીને તાળાબંધી કરી દીધી હતી. જે બાદ પણ સ્થાનિક કાર્યકર મહિલાની પસંદગી નહીં થતા ગ્રામજનોએ જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીને આંવેદપત્ર આપ્યુ હતું.