ખેડા : દેશદુનિયામાં કોરોનાની મહામારીએ કહેર મચાવ્યો છે. ત્યારે આશા બહેનો ગ્રામીણ ભારતના આરોગ્યનો આધાર બની છે. ગ્રામ્ય વિસ્તારના લોકોના આરોગ્ય પર આ આશા બહેનો ચાંપતી નજર રાખી રહી છે. લોકોના આરોગ્ય અંગેની વિવિધ કામગીરી કરતા સાથે ખેડાની આશાબહેનો નવતર પ્રયોગ કરી કોરોના જાગૃતિના ગીત ગાઈ પોતાનો જુસ્સો ટકાવી રાખવા સાથે ગ્રામ્ય લોકોને જાગૃત કરી રહી છે .મહામારી અને માથાફાડ ગરમી વચ્ચે ગામડા ખૂંદતી આ આશા બહેનો કોરોના સામેની લડાઈમાં ખરેખરી વોરિયર સાબિત થઈ રહી છે.
વિશેષ તકેદારીના ભાગરૂપે કોરોના વાઇરસથી સુરક્ષિત રહેવા માટે સરકાર તરફથી સૂચવાતી સલાહનો અમલ કરાવવા, અંગત સ્વચ્છતા જાળવવા, આરોગ્ય તથા પોષણ સંબંધિત સલાહ-માર્ગદર્શન આપવાની સરાહનીય કામગીરી આ બહેનો કરી રહી છે.ઉપરાંત આયુષ ટીમ સાથે રહીને ઉકાળા અને હોમિયોપથીક રોગપ્રતિરોધક દવા વિતરણની કામગીરીમાં તેમ જ ગામોમાં સેનેટાઈઝેશનની કામગીરીમાં પણ મદદરૂપ થઈ રહી છે. સાથે જ લોકોને હોમ ક્વોરન્ટીન કરવાની અને બહારથી ગામમાં આવનાર લોકો અંગે સતર્કતા પણ રાખી રહી છે.
જરાક અમથાં મહેનતાણાં સાથે કામ કરતી આ બહેનોએ કપરા સમયમાં પોતાનો જૂસ્સો ટકાવવા કોરોના જાગૃતિ અંગે ગીત બનાવી લીધું છે. મહુધા તાલુકાની આશા ફેસિલેટર અને આશા વર્કરબહેનો દ્વારા કોરોના જાગૃતિ અંગે ગવાયેલાં ગીતમાં હાથ ધોવાની રીત બતાવી કોરોનાને હરાવવા સાવચેતી રાખવા સૌને અપીલ કરવામાં આવી છે. ગામોમાં કામગીરી દરમિયાન તે ગીત ગુનગુનાવીને આ બહેનો લોકોમાં જાગૃતિ લાવવા સાથે પોતાનો જુસ્સો ટકાવી રહી છે.
ખેડા જિલ્લામાં આ આશા બહેનો દ્વારા કુલ-૧૪,૫૪,૮૬૫ વ્યકિતઓની તપાસ કરવામાં આવી. જેમાંથી શરદી, ઉઘરસ, તાવના લક્ષણો ધરાવતી ૭,૮૫૪ પૈકી ૬,૯૨૭ વ્યકિતઓને સારવાર આપવામાં આવી છે.
મહત્વનું છે કે, મહામારીના સમયમાં આ બહેનો વિશેષરૂપે ગ્રામ્ય વિસ્તારના લોકોના આરોગ્યનો આધાર બની રહી છે. દિવસ દરમિયાન ખડેપગે કામગીરી બજાવી ગામ લોકોના આરોગ્ય પર ચાંપતી નજર રાખી રહી છે. હાલ આકરો ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે અસહ્ય ગરમી સહન કરીને વિવિધ કામગીરી કરી રહેલી આ આશા બહેનો કોરોના વિરુદ્ધના જંગમાં ખરેખરી યોદ્ધા સિદ્ધ થઈ રહી છે.