- વાલ્લા પ્રાથમિક શાળાના ઉપાચાર્ય અને વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરાઈ રંગોળી
- રંગોળી 15 કલાકની જહેમત બાદ થઇ તૈયાર
- રંગોળીમાં કોરોના સંક્રમણ અટકાવવા સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પણ ઝલક
ખેડાઃ નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના ઉપાચાર્ય હિતેશકુમાર બ્રહ્મભટ્ટ અને વિદ્યાર્થિનીઓ દ્વારા સરદાર પટેલને ભાવાંજલિ આપતી એક વિશેષ રંગોળી તૈયાર કરવામાં આવી છે. શાળાના વર્ગખંડમાં તૈયાર કરવામાં આવેલી 111 ચોરસ ફૂટની આ વિશાળ રંગોળી દ્વારા કોરોના સંક્રમણ અટકાવવાનો પ્રેરક સંદેશ આપવામાં આવ્યો છે.
શાળામાં બનાવાઈ 111 ચોરસ ફૂટની વિશાળ પ્રેરક રંગોળી
સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણી નિમિત્તે વાલ્લા પ્રાથમિક શાળા દ્વારા 111 ચોરસ ફૂટની રંગોળી તૈયાર કરવામાં આવી છે. 30 કિલો કલર વાપરીને સોશિયલ સંદેશ સાથે બનાવવામાં આવેલી આ રંગોડી 15 કલાકની જહેમત બાદ તૈયાર કરવામાં આવી છે.
કોરોના ગાઈડલાઈન અનુસરી કોરોના સંક્રમણ અટકાવવાનો પ્રેરક સંદેશ અપાયો
આ રંગોળીમાં સરદાર પટેલ પોતે માસ્ક પહેરીને સમાજને સરકારી ગાઇડલાઇન અનુસરવાનો અને કોરોના સંક્રમણ અટકાવવાનો પ્રેરક સંદેશો આપી રહ્યા છે. આ ઉપરાંત આ રંગોળીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પણ દર્શાવવામાં આવી છે. આ નવતર પ્રયોગમાં શાળાના ઉપાચાર્ય સાથે તનુ પટેલ, હિના સોઢા અને નિધિ પારેખ નામની વિદ્યાર્થિનીઓએ પણ સહયોગ આપ્યો હતો.