ખેડા: જિલ્લામાં સાત વ્યક્તિનો ભોગ લેનાર સિરપ કાંડની તપાસ હજી ચાલી રહી છે ત્યાં વધુ એક નશાકારક કેમિકલયુકત પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઇ છે. ખેડા એસઓજી દ્વારા નડીયાદ જીઆઈડીસીમાંથી ઝડપાયેલ ફેક્ટરીમાં ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવી તે અન્ય કેમિકલના નામે ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરાતુ હોવાનું ખૂલ્યું છે. આ કેમીકલ પાવડરનો ઉપયોગ નશાકારક ડુપ્લીકેટ તાડી બનાવવામાં થતો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
બાતમીને આધારે કાર્યવાહી: ખેડા SOG(સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ) ને બાતમી મળી હતી કે નડિયાદમાં કમળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીમાં સી-3/10માં આવેલ રુદ્ર એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરી ચાલે છે. જેમાં કોઈપણ જાતના પરવાના વગર ક્લોરલમાંથી પ્રક્રિયા કરી ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવી તે અન્ય કેમિકલના નામે ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરે છે. જે આ કેમિકલ ઝેરી હોવાનું તેમજ તેનો ઉપયોગ નશો કરવા માટે ડુપ્લીકેટ તાડી બનાવવા માટે થતો હોય છે. જે બાતમીને આધારે પોલીસે ગઈકાલે સાંજે દરોડો પાડ્યો હતો.
'નડીયાદ જીઆઈડીસીમાં એક ફેક્ટરીમાં ક્લોરલ હાઈડ્રેટ પાવડર બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ ડુપ્લીકેટ તાડી બનાવવામાં થતો હોય છે. પ્રકાશ ગોપવાણીએ જીઆઈડીસીમાં પ્લોટ ભાડે રાખેલો અને તે આ ક્લોરલ હાઈડ્રેટ બનાવતા હતા. એસઓજી ટીમે ત્યાં રેડ કરી કેમિકલ, ડોક્યુમેન્ટ સહિતનો મુદ્દામાલ કબજે કરેલ છે. જે મામલે પ્રકાશ ગોપવાણી વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે.' -રાજેશ ગઢીયા, એસપી, ખેડા
મુંબઈનો સંચાલક ભાડે લઈ ફેક્ટરી ચલાવતો: પોલીસે દરોડો પાડતા ફેક્ટરીવાળી જગ્યાના મૂળ માલિક મળી આવ્યા હતા. જેઓએ આ શેડ મુંબઈના કાંદીવલી વિસ્તારમાં રહેતા પ્રકાશ જેઠાભાઈ ગોપવાણીને ભાડે આપેલ હોવાનું જણાવ્યું હતું. આ ફેક્ટરી પ્રકાશ જાતે ચલાવતો હોવાનું જણાવ્યું હતું. ફેક્ટરીમાં બે ભાગમાં મોટા હોલ આવેલા હતા. જેમાં કેમિકલ ભરેલા મોટા બેરલો પડ્યા હતા. બાજુના હોલમાં મશીનરી ગોઠવેલ હતી. પોલીસે એફએસએલ દ્વારા બેરલના પ્રવાહી અને પાવડરનું પ્રાથમિક પરિક્ષણ કરાવાયુ હતુ. જેમાં આ પાવડર નશાકારક ડુપ્લીકેટ તાડી બનાવવા માટે વાપરવામાં આવતો હોવાનું જણાઈ આવ્યું હતું. કામ કરતા નોકરોને આ બાબતે પૂછતા નોકરોએ જણાવ્યુ હતુ કે ફેક્ટરીના માલિકે તેમને આ કાચું ખાતર બનાવવામાં આવે છે અને તે આગળ મોકલીએ તો તેમાંથી પાકું ખાતર બનાવવામાં આવે છે તેમ કહ્યું હતું.
મુંબઈ માલ વેચવામાં આવતો હતો: પોલીસ તપાસમાં માલ મુંબઈ ખાતે વેચવામાં આવતો હોવાનું અને ગુજરાતમાં માલ નહોતો વેચવામાં આવતો હોવાનું ખૂલ્યું છે. પોલીસ દ્વારા આગળ તપાસમાં કેવી રીતે નેટવર્ક ફેલાયેલું હતું તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે.
ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરાઈ: પોલીસે ફેક્ટરીમાંથી પ્રવાહી અને પાવડર રૂ.19 લાખ તેમજ લેપટોપ અને પ્રિન્ટર સહિત અન્ય મળી કુલ રૂ.24 લાખ જેટલો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં આ યુનિટમાં ક્લોરલમાંથી પ્રક્રિયા કરી ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવાતો હોવાનું બહાર આવ્યું છે. તેના રોઝ ક્રિસ્ટલના નામથી ખોટા બીલો બનાવી આ કેમિકલ પાવડર ઝેરી હોવાનું તેમજ નશા કરવા માટે ડુપ્લીકેટ તાળી બનાવવા માટે ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે. આથી પોલીસે આ યુનિટના સંચાલક પ્રકાશ જેઠાભાઈ ગોપવાણી સામે આઈપીસી 308, 328, 272, 273, 465, 468, 471 મુજબનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા સીરપ કાંડ: નડિયાદના બે ગામોમાં શંકાસ્પદ આયુર્વેદિક સીરપ પીવાથી એક બાદ એક કુલ સાત વ્યક્તિઓના મોત નિપજ્યા હતાં. આ મામલે પોલીસ અને તંત્રના તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા હતા. આ મામલે કુલ 5 લોકો સામે ગુનો નોંધાયો હતો અને ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં અનેક જગ્યાએ આ પ્રકારની રેડ પાડીને સીરપના જથ્થા પકડવામાં પકડવામાં આવ્યા હતા.
પાંચ આરોપીઓ સામે ગુનો નોંધાયો : ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ સમગ્ર મામલે પોલીસ કાર્યવાહીની મિડીયાને જાણકારી આપી હતી. જીવલેણ સીરપનો કાળો કારોબાર કરનારા પાંચ આરોપીઓ વિરૂદ્ધ એસઓજી પીઆઈની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીઓમાં નડીયાદના યોગેશ પારૂમલ સિંધી, બિલોદરાના નારાયણ ઉર્ફે કિશોર સોઢા( પૂર્વે તાલુકા ભાજપ કોષાધ્યક્ષ ) તેના ભાઈ ઈશ્વરભાઈ સોઢા અને વડોદરાના નિતિન કોટવાણી અને ભાવેશ સેવકાણી સામે નડીયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેમાં યોગેશ સિંધી, કિશોર સોઢા અને ઈશ્વર સોઢાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતો.. જ્યારે નિતિન કોટવાણી અને ભાવેશ સેવકાણીને ઝડપવા કાર્યવાહી ચાલી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરાશે તેવી ખાતરીપોલીસ વડા દ્વારા આપવામાં આવી છે.