ખેડાઃ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ખેડા જિલ્લાના ICDS મહેમદાવાદ ઘટક 1 દ્વારા “સહી પોષણ-દેશ રોશન” ની થીમ સાથે પોષણ માહ સપ્ટેમ્બર 2020ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારત સરકારની સૂચના અને માર્ગદર્શન મુજબ મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ખેડા જિલ્લાના ICDS નડીયાદ ઘટક 1 દ્વારા “સહી પોષણ-દેશ રોશન”ની થીમ સાથે પોષણ માહ સપ્ટેમ્બર 2020ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં પોષણ માહની સામૂહિક અસર ઉભી થાય અને પોષણના મુખ્ય પાંચ સુત્રો બાળકના પ્રથમ 1000 દિવસ એનેમિયા, ઝાડા નિયંત્રણ, હેન્ડ વોશ અને સેનિટેશન તથા પૌષ્ટિક આહાર આ વિશે લોકો જાગૃત થાય તે માટે કોવિડ-19ની માર્ગદર્શિકા ધ્યાને લઇ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.
પોષણ માહની ઉજવણી અંતર્ગત વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેમદાવાદ ઘટક -1 ની તમામ આંગણવાડી કેન્દ્ર દ્વારા સલાડ હરીફાઈમાં ભાગ લઈ પોષણ યુક્ત વાનગી બનાવવામાં આવી હતી. સાથે જ વિવિધ પોષણયુક્ત વાનગી બાબતે જાણકારી આપવામાં આવી હતી. તેમજ સ્વાસ્થ્યની સમજણ આપી અને પોષણ વિશે સંદેશો આપવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે, પોષણ માહ અંતર્ગત પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન, પોષણ પ્રોત્સાહન માટે મમતા દિવસનો પ્લેટફોર્મ તરીકે ઉપયોગ, સગર્ભા, ધાત્રી માતાની આરોગ્ય તપાસ, આંગણવાડી કાર્યકર દ્વારા લાભાર્થીઓની ગૃહ મુલાકાત લઇ આઇ.ઇ.સી. મટીરીયલ દ્વારા પોષણ, સગર્ભાવસ્થા તથા તંદુરસ્ત બાળકની કાળજી, સ્તનપાન, ઉપરી આહાર, ઉંમર પ્રમાણે ખોરાક, વાલી દ્વારા બાળકનો ઉછેર તથા પ્રવૃત્તિ, બીમાર બાળકની કાળજી અને ખોરાક, સ્વચ્છતાથી તંદુરસ્ત સમાજનું દર્શન જેવી બાબતે સંપરામર્શ કરી જનસમુદાયને પોષણ બાબતે જાગૃત કરવા માટેની પ્રવૃત્તિઓ કરવામાં આવી છે.