ખેડા જિલ્લા સાંસદ દેવુંસિંહ ચૌહાણ તેમજ ગુજરાત વિધાનસભાના મુખ્યદંડક પંકજભાઇ દેસાઇ દ્વારા લીલીઝંડી બતાવીને આ નવી પાંચ ૧૦૮ એમ્બ્યુલન્સને રવાના કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લાના સાંસદ દેવુંસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ખેડા જિલ્લામાં વધુ પાંચ એમ્બ્યુલન્સનો ઉમેરો થવાથી હવે દર્દીઓને વધુ ઝડપથી ઈમરજન્સીની સારવાર મળી રહેશે.
છેલ્લા 12 વર્ષે ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા ખેડા જિલ્લામાં ખૂબ જ સારી સેવાઓ આપવામાં આવી રહી છે. જેના કારણે ઘણા બધા લોકોના જીવ બચી શક્યા છે. જે સુંદર કામગીરીને સાંસદ દેવુંસિંહ ચૌહાણે બિરદાવી હતી. આગામી દિવસોમાં કુલ ૧૪ ઈમરજન્સી વાન ખેડા જિલ્લામાં ફાળવવામાં આવનાર છે. જેના થકી સમગ્ર જિલ્લામાં દર્દીઓ માટે ઇમરજન્સી સેવા ઉપલબ્ધ થશે.
ખેડા જિલ્લામાં છેલ્લા 12 વર્ષથી સતત દોડતી 108ની સેવામાં જિલ્લાના જુદા જુદા સ્થળોએ ટોટલ ઇમરજન્સી કેસ 322232 જેટલા કેસોમાં સુવિધાઓ પુરી પાડેલ છે. જેમાં પ્રસુતિની કુલ 140008 કેસ, અકસ્માત સંબંધિત 44016 કેસ, હદય રોગના 13598 કેસ, શ્વાસની તકલીફના 14805 કેસમાં સુવિધાઓ મળેલ છે. છેલ્લા 12 વર્ષમાં 108 એમ્બ્યુલન્સ સુવિધાને લીધે જિલ્લામાં 24477 જેટલી માનવ જિંદગીઓ બચાવી છે તથા 2569 જેટલા બાળકોનો જન્મ 108માં થયેલ છે તેમ પ્રોગ્રામ મેનેજર સંદીપ ગઢવીએ જણાવ્યું હતું.