ખેડા : પાટોત્સવ એટલે ઠાકોરજીનું નવા મંદિરમાં પાટ (સિંહાસન)પર સ્થાપન કરી સેવા શરૂ કરવી. સન 1212માં ભક્ત બોડાણાની ભક્તિને માન આપી કાર્તિકી પૂનમના દિને ભગવાન રણછોડરાયજી ડાકોર પધાર્યા હતા. જ્યાં ઘણા વર્ષો સુધી ભગવાન હાલ જે લક્ષ્મીજીના મંદિર નજીક આવેલ ભક્ત બોડાણાનું ઘર છે. તે ઘરમાં રહ્યા હતા.
બાદમાં સન 1772ના મહા વદ પાંચમના દિવસે ઠાકોરજીને હાલ જે ભવ્ય મંદિર છે, તેની સ્થાપના કરી ઠાકોરજીને પધરાવવામાં આવ્યા હતા. આજ રોજ પાટોત્સવ મંદિરમાં દિવસ દરમિયાન વિવિધ ઉત્સવ ઉજવવામાં આવ્યા હતા. સવારે મંગળા આરતી થઈ પંચામૃત સ્નાન થઈ મંગળા સેવામાં ભવ્ય શણગાર કરી રાજાધિરાજને શ્રૃંગાર આરતી પહેલા ઉત્સવ તિલક કરવામાં આવ્યું હતું. ઠાકોરજી રાજભોગમાં કંસાર ધારણ કરી મોટા મહાભોગમાં બિરાજમાન થયા હતા. મહાભોગની ઉત્સવ કપૂર આરતી કરવામાં આવી હતી.
પાટોત્સવની ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં સવારથી શ્રદ્ધાળુઓ મંદિર ખાતે રાજાધિરાજ રણછોડરાયજીના દર્શન માટે ઉમટયા હતા.