ગીર સોમનાથ : આજે વિશ્વ કોકોનટ દિવસની ઉજવણી થઈ રહી છે. સોરઠ પંથકના દરિયાઈ વિસ્તારમાં પાછલા ઘણા વર્ષોથી કલ્પવૃક્ષની ખેતી થઈ રહી છે જેમા પણ પાછલા કેટલાક વર્ષોમાં ઉત્તરોતર વધારો પણ થતો જોવા મળી રહ્યો છે. પરંતુ પાછલા પાંચેક વર્ષથી નાળિયેરનું ઉત્પાદન અને તેમાં આવેલા રોગચાળાને કારણે ખેડૂતોની મુશ્કેલી સતત વધી રહી છે.
આજે વિશ્વ નાળિયેર દિવસ : દર વર્ષે બીજી સપ્ટેમ્બરના દિવસે વિશ્વ નાળિયેર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. કલ્પવૃક્ષની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો અને નાળિયેરના લાભ લોકોને મળી રહે તે માટે વિશેષ આયોજન થતું હોય છે. નાળિયેરની ખેતી દીવથી લઇ અને સોરઠ પંથકના માંગરોળ સુધી સતત વિસ્તરેલી જોવા મળે છે. સોરઠ પંથકના દરિયાઈ વિસ્તારને નાળિયેરીની ખેતી માટે ખૂબ જ અનુકૂળ અને સર્વોત્તમ માનવામાં આવે છે. પરંતુ પાછલા વર્ષોની સરખામણીએ નાળિયેરનું ઉત્પાદન અને તેમાં જોવા મળેલા રોગચાળાને કારણે નાળિયેરની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે.
ખેડૂતની વિમાસણ : પાછલા પાંચેક વર્ષથી નાળિયેરની ખેતીમાં સફેદ માખીનો ઉપદ્રવ ખૂબ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. જેને કારણે નાળિયેરીના ઝાડની સાથે તૈયાર નાળિયેરનું ફળ પણ ખૂબ જ નુકસાન પામી રહ્યું છે. સફેદ માખીને કારણે ઉત્પાદનમાં ચિંતાજનક ઘટાડો આવવાની સાથે નાળિયેરીના વૃક્ષનું આયુષ્ય પણ સતત ઘટી રહ્યું છે. કલ્પવૃક્ષની ખેતી સાથે સંકળાયેલો ખેડૂત વિમાસણમાં મુકાયેલો જોવા મળી રહ્યો છે.
પાછલા કેટલાક વર્ષો દરમિયાન સફેદ માખીનો ઉપદ્રવ ખેડૂતોની સૌથી મોટી ચિંતા બની રહ્યો છે. વધુમાં જથ્થાબંધ વેપારીઓ દ્વારા ખેડૂતોને આપવામાં આવતા સૌથી ઓછા બજાર ભાવની સાથે રાજ્ય કે કેન્દ્રની સરકારે આ વિસ્તારમાં નાળિયેર આધારિત કોઈ લઘુ કે મોટા ઉદ્યોગોનું આજ દિન સુધી સ્થાપન કર્યું નથી. જેને કારણે ખેડૂતો માત્ર નાળિયેરનું ઉત્પાદન કરીને વેપારીઓને હવાલે કરી રહ્યા છે. જેનો એક પણ પ્રકારનો ફાયદો ખેડૂતોને આજ દિન સુધી થયો નથી...જગુભાઈ બારડ (નાળિયેરની ખેતી કરતા ખેડૂત )
સફેદ માખીનો ઉપદ્રવ : સફેદ માખીના ઉપદ્રવને નિયંત્રણમાં રાખવું ખૂબ જ કઠિન માનવામાં આવે છે. એકદમ પ્રારંભિક તબક્કે જીવાતોના ઉપદ્રવની જાણ મળે તો તેના પર નિયંત્રણ કરી શકાય છે. પરંતુ એક વખત રોગ આવી ગયા બાદ તેને દૂર કરવો અથવા તો તેનું કોઈ કાયમી નિરાકરણ થઈ શકે તેવો એક પણ ઉપાય હજુ સુધી કૃષિ નિષ્ણાતો પાસે પણ જોવા મળતો નથી. જેને કારણે સફેદ માખીનો ઉપદ્રવ ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા બની રહ્યો છે.
નાળિયેર આધારિત ઉદ્યોગ સ્થપાય : આ વિસ્તારના ખેડૂતો નાળિયેરનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન કરી રહ્યા છે પરંતુ તેનો બજાર ભાવ ખેડૂતોને આજદીન સુધી મળ્યો નથી. ખેડૂતો પાસેથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત લીલું નાળિયેર જથ્થાબંધ વેપારીઓ 10 થી 12 રૂપિયામાં ખરીદી કરે છે. જેની છૂટક બજારમાં 70 થી 100 રૂપિયા સુધીનું વેચાણ કરે છે. ખેડૂતોને નાળિયેરના ઉત્પાદન કરવા પાછળ ખૂબ મોટો ખર્ચ અને મહેનત લાગે છે. પરંતુ તેને મળવાપાત્ર થતું વળતર જથ્થાબંધ અને છૂટક વેપારીઓ મેળવી રહ્યા છે. જેનો સીધો ફાયદો ખેડૂતોને થાય તે માટે આ વિસ્તારમાં નાળિયેર આધારિત ઉદ્યોગો સ્થાપિત કરવામાં આવે તો ખેડૂતોને તેનો ફાયદો થઈ શકે તેમ છે. ઉદ્યોગોમાં નાળિયેર પાણીથી લઈને ખાવા પીવાની અનેક ચીજવસ્તુઓ હાલ બની રહી છે. પરંતુ તેનો સીધો ફાયદો ગુજરાત બહારના રાજ્યોને થઈ રહ્યો છે. જેથી આ વિસ્તારમાં નાળિયેર આધારિત ખાદ્ય ચીજવસ્તુઓના ઉદ્યોગોને સ્થાપિત કરવામાં આવે તો ખેડૂતોને સારું આર્થિક હુડિયામણ મળે તેવી શક્યતાઓ ઊભી થઈ શકે તેમ છે.