જૂનાગઢઃ આગામી દિવસોમાં જૂનાગઢ રોપ-વે રાષ્ટ્રને સમર્પિત થવા તરફ અગ્રેસર બની રહ્યો છે. થોડા જ દિવસોમાં અને એશિયાના સૌથી મોટા અને વડા પ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગિરનાર રોપ-વે નું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આજે શનિવારે જૂનાગઢના સાંસદે ગિરનાર રોપ-વેની મુલાકાત લીધી હતી અને કામની પ્રગતિ વિશે ઇજનેરો પાસેથી વિગતો પ્રાપ્ત કરી હતી. આ સમયે તેમની સાથે જૂનાગઢ મનપાના પદાધિકારીઓ પણ જોડાયા હતા અને કામની પ્રગતિ અને કામની પૂર્ણતા તરફ જે રીતે કામ આગળ વધી રહ્યું છે, તેને લઈને સંતોષ પણ વ્યક્ત કર્યો હતો.
છેલ્લા કેટલાક વર્ષોથી જૂનાગઢ રોપ-વે કેટલીક અડચણોને લઈને સાકાર થવામાં અનેક વિક્ષેપો આવ્યા હતા. પરંતુ સમગ્ર અવરોધ બાદ વડા પ્રધાન મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ હવે જૂનાગઢમાં પૂર્ણતા તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન મોદી 31 ઓક્ટોમ્બરે ગુજરાતના સંભવિત પ્રવાસે આવી રહ્યા છે. તે સમયે તેઓ ગિરનાર રોપ-વે રાષ્ટ્રને સમર્પિત કરે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. પરંતુ આગામી 9મી નવેમ્બરના દિવશે જૂનાગઢનો મુક્તિ દિવસ છે. તે જ દિવસે ગિરનાર રોપ-વેનું લોકાર્પણ થાય તેવી પૂરી શક્યતાઓ છે. આગામી સમયમાં વડાપ્રધાન મોદી ગુજરાત આવી શકે છે અથવા તો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનું લોકાર્પણ થઈ શકે છે, તેવું ચોક્કસ કહી શકીએ.
અંદાજિત 130 કરોડથી વધુના ખર્ચે સાકાર થઇ રહેલો ગિરનાર રોપ-વે એશિયાનો સૌથી લાંબો રોપ-વે હોવાનું ગૌરવ પણ મેળવે છે અને તેનો શ્રેય જૂનાગઢ, ગુજરાત અને ભારતને જાય છે. ગીરના સિંહો સમગ્ર એશિયામાં એક માત્ર અહીં જોવા મળે છે. ત્યારે જૂનાગઢમાં સાકાર થઇ રહેલો ગિરનાર રોપ-વે પણ એશિયાનો સૌથી લાંબો એક માત્ર રોપ-વે હોવાનું બહુમાન પણ અત્યારથી જ મેળવી ચૂક્યો છે. ત્યારે જૂનાગઢ, ગીર-ગિરનાર રોપ-વે અને ગીર સાવજ પ્રવાસનનું હબ બનશે. જેના કારણે જૂનાગઢ પર્યટનનું હબ બનશે અને તેના થકી રોજગારીની અનેક નવી તકોનું પણ સર્જન થતું જોવા મળશે.
પ્રારંભના દિવસોમાં ગિરનાર રોપ-વે શક્ય બનશે કે નહીં તેને લઈને અનેક શંકા-કુશંકાઓ ચાલી રહી હતી અને તેમાં આ પ્રોજેક્ટ અંદાજિત 30 વર્ષ જેટલો સમય પાછળ આકાર પામી રહ્યો છે. ગિરનાર રોપ-વેનો વિચાર આજથી ત્રીસ વર્ષ પહેલા વ્યક્ત કરાયો હતો. પરંતુ કેટલીક અડચણો અને વન વિભાગની મંજૂરીની વચ્ચે આ રોપ-વે ક્યાંક અટકી ગયેલો જોવા મળતો હતો. પરંતુ આખરે 30 વર્ષ બાદ જૂનાગઢનું સપનું સાકાર થઇ રહ્યું છે અને એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વે સમાન આધુનિક ટેકનોલોજી અને ઇજનેરીનું વ્યવસ્થાપન જૂનાગઢમાં આકાર પામી રહ્યું છે. જે આગામી થોડા જ દિવસોમાં રાષ્ટ્રને સમર્પિત થશે અને જૂનાગઢની સાથે ગુજરાત એશિયામાં ફરી એક વખત પોતાનો સિક્કો જમાવવા તરફ આગળ વધી રહ્યું છે.